Rajkot: પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

તા.૪/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લામાં ત્રણ માસમાં ડાયગ્નોસ્ટિક સેન્ટરની તપાસની કામગીરી ૯૯ ટકા પૂર્ણ, શહેરમાં ૨૩ ટકા કામગીરી બાકી
Rajkot: રાજકોટ જિલ્લા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કાયદા (પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક્સ – પ્રોબિહિશન ઓફ સેક્સ સિલેક્શન એક્ટ)ની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (ઈન્ચાર્જ) ડૉ. પરેશ જોશીની ઉપસ્થિતિ તથા બોલબાલા ટ્રસ્ટના શ્રી જયેશ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સમિતિ દ્વારા થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત હાલ સક્રિય ૩૭૩ સેન્ટરો પૈકી રાજકોટ જિલ્લામાં ત્રણ માસમાં તાલુકાકક્ષાએ ૯૯ ટકા સેન્ટરોના તપાસની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેરમાં ૨૮૯ ડાયગ્નોસ્ટિક સેન્ટરોની મુલાકાત લેવાઈ છે અને ૮૪ સેન્ટરોની તપાસ કરવામાં આવેલી નથી. આમ શહેરમાં આ અંગે ૨૩ ટકા કામગીરી બાકી છે. આ કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરવા જરૂરી સંકલન કરવા સૂચના આપવામાં આવી હતી.
પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ નવા સેન્ટરના રજિસ્ટ્રેશન માટે ૦૪ અરજીઓ જ્યારે રિન્યૂઅલ માટે ૦૮ મળીને કુલ ૧૨ અરજીઓ આવેલી છે. જે પૈકી નવી અરજીઓમાં સ્થળ તપાસમાં કોઈ ખામી ન જણાય તો મંજૂરી આપવા આપવા અંગે ચર્ચા થઈ હતી. રિન્યૂઅલ માટે આવેલી ૧૨ અરજીઓ પૈકી એક અરજી પાત્રતા ધરાવતી ન હોવાથી તેને નામંજૂર કરવામાં આવી હતી.
ઉપરાંત આગામી સમયમાં સેક્સરેશિયો સુધારવા માટે જરૂરી કામગીરી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં થતા જુદાજુદા કાર્યક્રમોમાં ‘બેટી બચાવો બેટી વધાવો’ અંગે જાગૃતિ કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં એમ.સી.એચ. હોસ્પિટલના ગાયનેક વિભાગના અધ્યક્ષ ડૉ. કમલ ગોસ્વામી, સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગના અધિકારી, જસદણ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સી.કે. રામ સહિત સમિતિના સભ્યો, અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



