KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના બરોલા ગામે બેસવાની નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો,પોલીસે બે વિરુદ્ધ નોંધ્યો ગુનો.

 

તારીખ ૦૮/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બરોલા ગામે પ્રાથમિક શાળા પાસે બેસવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને એક યુવક પર લાકડાના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે કાલોલ પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે.

બરોલા ગામના બાકરોલ રોડ પર રહેતા અને હાલોલ GIDC ની કંપનીમાં ખાનગી નોકરી કરતા પ્રવિણભાઈ કાળુભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો ૨૦ વર્ષનો ભાણેજ યોગેશભાઈ કનુભાઈ વણકર તેમની સાથે જ રહે છે. સાંજના આશરે સાડા સાત વાગ્યાના સુમારે, ગામની પ્રાથમિક શાળા ઉપર ગામના જ કેટલાક યુવકો બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા.તે દરમિયાન ગામના દ્રવિડભાઈ ઉર્ફે દેવો રમણભાઈ પરમારે અચાનક યોગેશભાઈને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર મુકેશભાઈ રમેશભાઈ પરમાર એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને નજીકમાંથી લાકડું લઈને દોડી આવ્યા હતા. તેમણે યોગેશભાઈના માથાના ભાગે લાકડાનો ફટકો મારી દીધો હતો, જેના કારણે યોગેશ લોહીલુહાણ થઈને નીચે ઢળી પડ્યો હતો.યોગેશ નીચે પડી ગયા બાદ પણ બંને આરોપીઓ (દ્રવિડભાઈ અને મુકેશભાઈ) એ તેને ગડદાપાટુનો માર માર્યો હતો અને “આજે તો તું બચી ગયો છે, પણ હવે તને છોડીશું નહીં” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જ્યાં ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગામના અન્ય લોકો દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં યોગેશને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કાલોલ સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલ ખાતે રીફર કર્યો છે.આ મામલે કાલોલ પોલીસે ફરિયાદી પ્રવિણભાઈ પરમારની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ: ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ: 115(2), 352, 351(2), 54 તથા ગુજરાત પોલીસ એક્ટ (GP Act) ની કલમ: 135 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (ASI) નિરવકુમાર ગોપાળભાઇ ચૌહાણને સોંપી છે.

Back to top button
error: Content is protected !!