KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં પઠાણી ઉઘરાણીનો ભાંડો ફૂટ્યો રૂ.3 લાખ વ્યાજ પડાવ્યા બાદ પણ જેલની ધમકી, ‘માં ફાઈનાન્સ’ના માલિકો સામે ગુનો.

 

તારીખ ૦૯/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું વ્યાજ ના નામે આર્થિક શોષણ કરતી ટોળકી સામે પોલીસે લાલ આંખ કરી છે. કાલોલ તાલુકા પંચાયત સામે ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક શ્રમિકે ‘માં ફાઈનાન્સ’ ના માલિકો વિરુદ્ધ ઊંચા વ્યાજે નાણાં ધીરી, ધાક-ધમકી આપી બળજબરીપૂર્વક ઉઘરાણી કરવા અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જિલ્લા ધીરધાર અધિકારીનું નિયંત્રણ હોવા છતાં, કોઈ પણ કાયદાના ડર વગર ગેરકાયદેસર રીતે મનસ્વી વ્યાજ વસૂલતી આ નાણાકીય પેઢી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓ બાબત અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અલીન્દ્રા નવી નગરીમાં રહેતા ફરિયાદી રણુભાઈ બુટાભાઈ ભરવાડ (ઉં.વ. ૪૦) ના પત્ની વર્ષ ૨૦૨૦ માં ગંભીર બીમાર પડ્યા હતા. સારવારના ખર્ચ માટે પૈસાની તાતી જરૂરિયાત ઊભી થતાં તેઓ કાલોલ ખાતે આવેલી ‘માં ફાઈનાન્સ’ નામની ઓફિસે લોન લેવા ગયા હતા.ઓફિસના માલિક દીપેશ રાજપૂતે માસિક ૧૦% ના ઊંચા વ્યાજે અને રોજ ના ₹૧૦૦ ના હપ્તા લેખે ૫૦ દિવસની શરતે ₹૫,૦૦૦ ની લોન મંજૂર કરી હતી. જોકે, પ્રોસેસ કે અન્ય નામે કાપીને ફરિયાદીને હાથમાં માત્ર ₹૪,૪૦૦ રોકડા આપ્યા હતા. સિક્યોરીટી તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બે કોરા ચેક, આધાર કાર્ડ અને બે ફોટા પડાવી લીધા હતા.

ફાઈનાન્સ પેઢીએ આપેલા ડાયરી કાર્ડમાં પણ ગેરરીતિ આચરવામાં આવતી હતી. કાર્ડમાં ₹૫,૦૦૦ ના બદલે ₹૫/- અને રોજની ₹૧૦૦ ની વસૂલાત સામે માત્ર ₹૧૦ લખવામાં આવતા હતા.પત્નીની વધુ સારવાર માટે ફરિયાદીએ ટુકડે-ટુકડે ₹૧૦,૦૦૦ અને ₹૫૦,૦૦૦ વ્યાજે લીધા હતા. ફરિયાદીએ અત્યાર સુધીમાં ઓનલાઈન (Google Pay) તેમજ રોકડા મળીને આશરે ₹૩ લાખ જેટલું માતબર વ્યાજ ચૂકવી દીધું હતું.તેમ છતાં, ગત ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ ફાઈનાન્સના માણસોએ ફોન કરી લોન રેગ્યુલર કરવાના બહાને ફરિયાદીને ઓફિસે બોલાવ્યો હતો. ત્યાં જૂનું બાકી વ્યાજ ₹૮૮,૦૦૦ કાપી લઈ, બળજબરીપૂર્વક નવી ₹૧,૦૦,૦૦૦ ની લોન ઊભી કરી દીધી હતી અને હાથમાં માત્ર ₹૨૫,૨૦૦ ગૂગલ પે કર્યા હતા. આ નવી લોન પેટે રોજના ₹૨,૦૦૦ નો પઠાણી હપ્તો નક્કી કરાયો હતો.ફરિયાદીએ લોકડાઉન અને આર્થિક તંગી વચ્ચે પણ ₹૪૨,૦૦૦ ના હપ્તા ભર્યા હતા, પરંતુ ગત ૨૬/૦૬/૨૦૨૬ થી સગવડ ન હોવાથી તેઓ હપ્તો ભરી શક્યા ન હતા. આથી, ગત ૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યાના અરસામાં જ્યારે રણુભાઈ તાલુકા પંચાયત સામે પોતાની ચાની લારી પર હતા, ત્યારે ‘માં ફાઈનાન્સ’ ના માલિક દીપેશ રાજપૂત અને તેનો માણસ અરવિંદ મકવાણા ત્યાં ધસી આવ્યા હતા.તેઓએ જાહેરમાં બળજબરીપૂર્વક વ્યાજ વસૂલવા ધમકી આપી હતી કે,”જો હપ્તા નહીં ભરો તો સિક્યોરીટી તરીકે રાખેલા કોરા ચેકોમાં મોટી રકમ ભરીને ચેક બાઉન્સ કરાવીશું અને તને જેલમાં પુરાવી દઈશું.”આ વ્યાજખોરોના ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને આખરે ચાની લારી ચલાવતા શ્રમિકે હિંમત દાખવી પોલીસનો આશરો લીધો હતો. કાલોલ પોલીસે ફરિયાદીની આપવીતીના આધારે: આરોપી નં. ૧: દીપેશ રાજપૂત (માલિક, માં ફાઈનાન્સ) અને આરોપી નં. ૨: અરવિંદ મકવાણા (મા ફાઇનાન્સ માલિક/ કર્મચારી)સામે બી.એન.એસ ની કલમ ૩૦૮(૩), ૩૫૧(૨), ૫૪ તેમજ ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓ બાબત અધિનિયમની કલમ ૪૦ અને ૪૨(ડી) મુજબ ખંડણી અને એક સંપ કરી ધમકીઓ આપતા ગુનો નોંધી કેસની આગળની તપાસ કાલોલ પોલીસ સ્ટેશનના PSI એસ આર મકવાણા ચલાવી રહ્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ફાઈનાન્સ પેઢી કાયદા કે જિલ્લા ધીરધાર અધિકારીના કોઈ પણ નિયમોની ઐસીતૈસી કરીને કાલોલ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અનેક ગરીબ લોકોને ઊંચા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવીને આર્થિક રીતે પાયમાલ કરી રહી છે. પોલીસ આ મામલે અન્ય ભોગ બનનારાઓની પણ પૂછપરછ કરે તેવી શક્યતા છે. કાલોલ નગરમાં એક ફાઇનાન્સર ની સામે ફરિયાદ થતા જ સમગ્ર નગરના ખાનગી ફાઇનાન્સરો ના શટર પડી ગયા હતા આજે પણ મોટા ભાગના ફાઇનાન્સર ના શટર બંધ જોવા મળ્યા હતા.

Back to top button
error: Content is protected !!