થરાદના આનંદ મેળામાં ટિકિટ મુદ્દે વિવાદ: ભાજપના જિલ્લા મહામંત્રી કમલેશભાઈ આચાર્ય અને આયોજક વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદમાં ચાલી રહેલા આનંદ મેળાને લઈને હવે વિવાદે જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના વાવ-થરાદ જિલ્લા મહામંત્રી કમલેશ આચાર્ય અને મેળાના સંચાલક વચ્ચે થયેલી વાતચીતનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, આનંદ મેળામાં ટિકિટ વિના પ્રવેશને લઈને મહામંત્રીના ભાઈ અને બાઉન્સર વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ આ મુદ્દે જિલ્લા મહામંત્રી અને મેળાના સંચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જણાઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કથિત ઓડિયોમાં અભદ્ર ભાષાનો ઉપયોગ થતો સંભળાય છે અને “મારા થરાદમાં આવીને કેવી રીતે મેળો કરો છો?” જેવા શબ્દો પણ ઉચ્ચારાયા હોવાના દાવા થઈ રહ્યાછે, તેમ છતાં સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે જાહેર જીવનમાં રહેલા જવાબદાર હોદ્દેદારો પાસેથી સંયમિત ભાષા અને શિસ્તબદ્ધ વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે, જ્યારે અન્ય લોકો ઘટનાના તમામ પાસાઓ સામે આવે ત્યારબાદ જ કોઈ નિષ્કર્ષ પર પહોંચવાની વાત કરી રહ્યા છે.
હાલ સુધી આ મામલે ભાજપ જિલ્લા સંગઠન અથવા આનંદ મેળાના સંચાલકો તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર થયું નથી. જો બંને પક્ષમાંથી કોઈ સ્પષ્ટતા અથવા પ્રતિક્રિયા સામે આવશે તો તેને પણ યોગ્ય સ્થાન આપવામાં આવશે.





