
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્દ પટેલ
અંતરિયાળ વિસ્તારની દીકરીઓને પદરજ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સામગ્રી અને છત્રીઓનું વિતરણ
“વિદ્યાદાન શ્રેષ્ઠદાન”ના પવિત્ર ભાવને સાકાર કરતાં પદરજ ફાઉન્ડેશન, અમદાવાદના સહયોગથી અંતરિયાળ વિસ્તારમાં આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કુંડોલ (કાગડા મહુડા), તા. શામળાજી, જિ. અરવલ્લી ખાતે શાળાની તમામ દીકરીઓને નિઃશુલ્ક વિજ્ઞાન પ્રયોગપોથી, નકશાપોથી તેમજ ચોમાસાની ઋતુમાં ઉપયોગી છત્રીઓનું વિતરણ પદરજ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે પદરજ ફાઉન્ડેશન ના મેનેજિંગ ટ્રસ્ટી ડો .પ્રશાંત પ્રભુદાસ જાની તથા સહયોગીઓ ઇન્દુભાઈ પરમાર, સુરેશભાઈ વોરા અને વિજયભાઈ પંત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સામગ્રી અને છત્રીઓ અર્પણ કરવામાં આવી હતી. દીકરીઓના સર્વાંગી વિકાસ ને પ્રોત્સાહન આપતી આ સેવાકીય પહેલને વિદ્યાર્થીઓ, અને શાળા પરિવારે હર્ષભેર આવકારી હતી.
શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે શાળા પરિવાર વતી પદરજ ફાઉન્ડેશન તથા તમામ દાતા ઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવા સેવાકાર્યો અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે નવી પ્રેરણા અને આત્મવિશ્વાસ જગાવે છે તેમજ સમાજમાં શિક્ષણલક્ષી સેવાભાવને વધુ મજબૂત બનાવે છે.





