થરા ખાતે બનાસ સરહદી બાળ અને મહિલા વિકાસ મંડળ સંચાલિત સંસ્થાઓમાં પ્રવેશોત્સવ યોજાયો..
પ્રથમ વર્ષમાં ૨૫૦ વિદ્યાર્થીઓ એ પ્રવેશ મેળવ્યો હતો.પ્રજાપતિ પ્રિયંકા ભાવાભાઈ નેકારીયા સહીત યુનિવર્સિટી કક્ષાએ જે વિદ્યાર્થીઓએ પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ એવા સેમ-૧ અને સેમ-૩ ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા

થરા ખાતે બનાસ સરહદી બાળ અને મહિલા વિકાસ મંડળ સંચાલિત સંસ્થાઓમાં પ્રવેશોત્સવ યોજાયો..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ બનાસ સરહદી બાળ અને મહિલા વિકાસ મંડળ સંચાલિત શ્રી વી. આર.પટેલ આર્ટ્સ કોલેજ, આદર્શ પી.ટી.સી.કોલેજ તેમજ ગ્રાન્ટેડ ઈન એઈડ આઈ.ટી. આઈ.ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ -૨૭ ના પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન સંસ્થાના પ્રમુખ અણદાભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને કિસાન સંઘના કુરાભાઈ પટેલ,કરસનભાઈ પટેલ,અનુભા વાઘેલા,રાજુભાઈ પ્રજાપતિ,શ્રી વી.આર.પટેલ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રિયંકાબેન ચૌધરી, આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ ચિરાગભાઈ પટેલ,પી.ટી.સી. કોલેજના પ્રિન્સિપાલ જયવર્ધનભાઈ ની ઉપસ્થિતિ મા પ્રવેશોત્સવ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી.વી. આર.પટેલ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રિયંકાબેન ચૌધરીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી શાળા પરિવાર દ્વારા મહેમાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પ્રથમ વર્ષમાં ૨૫૦ વિદ્યાર્થીઓ એ પ્રવેશ મેળવ્યો હતો.પ્રજાપતિ પ્રિયંકા ભાવાભાઈ નેકારીયા સહીત યુનિવર્સિટી કક્ષાએ જે વિદ્યાર્થીઓએ પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ એવા સેમ-૧ અને સેમ-૩ ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ સંસ્થાના વિકાસ અને શિક્ષણક્ષેત્રે આપેલા અવિસ્મરણીય યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે કાંકરેજ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની તકો મર્યાદિત હતી ત્યારે વર્ષ ૨૦૧૩ માં શ્રી વી. આર.પટેલ આર્ટ્સ કોલેજની સ્થાપના કરીને પ્રથમ વખત અંગ્રેજી મુખ્ય વિષયની શરૂઆત કરવામાં આવી.તે પહેલાં સમગ્ર વિસ્તારમાં અંગ્રેજી વિષયના શિક્ષકોની પણ અછત હતી. વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ ઉપલબ્ધ નહોતી ત્યારે વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે સાયન્સ શાળાની પણ શરૂઆત કરવામાં આવી.તેવી જ રીતે વર્ષ ૨૦૦૯ માં ગ્રાન્ટેડ ઈન એઈડ આઈ.ટી.આઈ. તથા આદર્શ પી.ટી.સી.કોલેજની સ્થાપના કરીને યુવાનોને વ્યવસાયલક્ષી અને શિક્ષક તાલીમનું શિક્ષણ પોતાના વિસ્તારમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું.આ તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પાછળનો મુખ્ય હેતુ એ હતો કે વિસ્તારનો કોઈ પણ દીકરો કે દીકરી માત્ર સુવિધાના અભાવે શિક્ષણથી વંચિત ન રહે.આ વિચાર સાથે સંસ્થાના પ્રમુખ અણદાભાઈ પટેલે ચિંતન-મંથન કરીને શિક્ષણ સેવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું,જે આજે સમગ્ર વિસ્તારમાં આશીર્વાદરૂપ બન્યું છે.અણદાભાઈ પટેલે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા પ્રેરણા આપી હતી. પ્રિન્સિપાલ પ્રિયંકાબેન ચૌધરીએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, જ્ઞાન પ્રાપ્તિ, વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમા પ્રો.રોહિતભાઈ રાઠોડ, પ્રો.ભરતભાઈ ઠાકોર, પ્રો.સુનિલભાઈ પટણી,પ્રો. પૂજાબેન સોની,પ્રો.પ્રિયંકાબેન દેસાઈ,પ્રો.પાર્વતીબેન પરમાર, સર્થિક ચૌધરી, સંજયભાઈ પ્રજાપતિ સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પ્રિન્સિપાલ જયવર્ધનભાઈએ કર્યું હતું. વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530







