
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૫ જુલાઈ : ચાલુ વર્ષ દરમિયાન કચ્છ જિલ્લામાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ વરસેલો ન હોઈ, આગામી સમયગાળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાવાની સંભાવના રહેલી છે. આ સંદર્ભે પરિસ્થિતિની સમીક્ષા કરી સંભવિત ઘાસની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ જરૂરી આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જો અછતની પરિસ્થિતિ સર્જાઈ તો પશુપાલકોને કચ્છમાં જ ઘાસચારો મળી રહે અને તેમને પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર ન કરવું પડે તે હેતુથી, ગામડાઓના ક્લસ્ટર દીઠ ઘાસ ઉપલબ્ધ કરાવવા સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ સમગ્ર જિલ્લાના તમામ ઘાસ ગોડાઉનોમાં ઉપલબ્ધ ઘાસના જથ્થાની વિગતો મેળવી હતી. આ ઉપરાંત, અગાઉના વર્ષોમાં સર્જાયેલી અછતની પરિસ્થિતિ વખતે કરવામાં આવેલા ઘાસ વિતરણના આયોજન અંગે પણ તેમણે જાણકારી મેળવી હતી.અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જો અછતની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમામ પશુપાલકોને રાહતદરે ઘાસ મળી રહે તેનું આયોજન જરૂરી છે. તેમણે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ઘાસચારાની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા તેમજ મામલતદાર કક્ષાએથી પશુપાલકોને નિયમાનુસાર બનાવી આપવામાં આવતા ‘ઘાસકાર્ડ’ જોગવાઈઓ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.વધુમાં, કલેક્ટરશ્રીએ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારો અને મહત્તમ પશુપાલકો ધરાવતા વિસ્તારોની ઓળખ કરવા સૂચના આપી હતી.આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડીયા, ભુજ આર.ટી.ઓ.શ્રી અનિલ ગોસ્વામી, પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષકશ્રી હર્ષ ઠક્કર, બન્નીના નાયબ વન સંરક્ષકશ્રી નેવીલ ચૌધરી, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી આર.ડી.પટેલ, પુરવઠા અધિકારીશ્રી ચિરાગ નિમાવત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિશ્વા શાહ સહિત પીજીવીસીએલ, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



