BHUJGUJARATKUTCH

પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને કામગીરીની સમીક્ષા કરી

મહેકમ, ગ્રાંટની વપરાશ, કામોની ગુણવત્તા, શિક્ષણ તથા આરોગ્ય, આંગણવાડી સહિતના પ્રશ્નોની ચર્ચા સાથે કામગીરીની સમીક્ષા કરી પ્રભારીમંત્રી એ આપ્યું જરૂરી માર્ગદર્શન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

સમયમર્યાદામાં ગ્રાન્ટના વપરાશ સાથે ગુણવત્તાયુક્ત વિકાસ કામો કરવા પ્રભારીમંત્રી ની તાકીદ

ભુજ,તા-૧૭ જુલાઈ : જિલ્લા પંચાયત ખાતે પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ તથા અધિકારીઓની સંયુક્ત બેઠક યોજીને જિલ્લામાં પ્રગતિહેઠળના વિકાસ કામોની કામગીરીની સમીક્ષા કરી હતી.બેઠકમાં પ્રભારીમંત્રીશ્રીએ જિલ્લા પંચાયત હસ્તકના વિકાસકામોમાં ગુણવત્તામાં બાંધછોડ ન કરવા સાથે રાજ્ય સરકાર દ્વારા ફાળવાતી ગ્રાંટનો સમયમર્યાદામાં ઉપયોગ કરવા ખાસ તાકીદ કરી હતી. આ સાથે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજયમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ વિકાસ શાખા, પંચાયત શાખા સહિતના વિભાગોના કામોની સમીક્ષા કરીને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના હોદે્દારોએ ઉપસ્થિત રહીને મહેકમ, શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.પ્રભારીમંત્રીશ્રીએ પ્રશ્નોની રજૂઆતો સાથે કામગીરીની સમીક્ષા કરીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો અમલી કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સૂચના આપી હતી. જેમાં સૂચારૂ તથા પારદર્શક વહીવટ માટે જિલ્લા પંચાયતના દરેક વિભાગની બહાર ફરીયાદ પેટી મુકવા, વિકાસ કામોમાં નાણાનો યોગ્ય વપરાશ થાય તે માટે યોગ્ય બજારભાવ મેળવીને કામગીરી કરાવવા, સમયમર્યાદામાં ગ્રાંટની રકમ વાપરવા તેમજ જિલ્લા તથા તાલુકાની વિકાસ ડાયરી બનાવવા સાથે યોજનાકીય કામોના અમલીકરણ માટે વાર્ષિક પ્લાનીંગ કરવા ખાસ સૂચના આપી હતી.આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ કચ્છ જિલ્લામાં મહેકમ ઘટ્ટની સમસ્યાને ઉકેલવા રાજ્ય સરકારની મંજૂરીથી ભૂતકાળની જેમ જિલ્લા પંચાયત હસ્તક સ્થાનિક ભરતી કરવા અંગે સૂચન કર્યું હતું. આ સાથે હાથ ધરાતા વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમે વિવિધ વિભાગની કામગીરી, જિલ્લા આંતરફેર બદલી, મહેકમની ખાલી જગ્યાઓ સહિતની માહિતીથી પ્રભારીમંત્રીશ્રીને અવગત કર્યા હતા.બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, સર્વે ધારાસભ્યોશ્રી કેશુભાઇ પટેલ, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મહાવીરસિંહ જાડેજા, ગાંધીધામ મહાગરપાલિકાના મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, આગેવાનશ્રી ફલજીભાઈ ચોધરી, શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ તથા પંચાયતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!