
નાંદોદના પોઇચા ખાતે ‘યુવા આપદામિત્ર’ નિવાસી તાલીમ શિબિરનો પ્રારંભ
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ‘આપત્તિ મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરતી પહેલ
સાત દિવસીય તાલીમ પૂર્ણ કરનાર યુવાનોને ‘આપદામિત્ર’ અને યુવતીઓને ‘આપદાસખી’ તરીકે પ્રમાણપત્ર એનાયત કરાશે
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પોઇચા સ્થિત સ્વામિનારાયણ મંદિરના સત્સંગ ભવન ખાતે “યુવા આપદામિત્ર નિવાસી તાલીમ તથા આપત્તિ વ્યવસ્થાપન” વિષયક સાત દિવસીય વિશેષ નિવાસી તાલીમ શિબિરનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આપત્તિ સમયે સ્થાનિક સ્તરે પ્રશિક્ષિત યુવાનો તૈયાર કરીને ઝડપી અને અસરકારક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવાનો આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ અમલમાં આવેલી ‘આપદામિત્ર યોજના’ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ‘આપત્તિ મુક્ત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ સમયે બચાવ દળો પહોંચે તે પહેલાં સ્થાનિક સ્તરે પ્રશિક્ષિત યુવાનો પ્રથમ પ્રતિભાવક (First Responder) તરીકે કાર્ય કરી માનવજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે તેવો છે.
તાલીમ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ કલેક્ટર વિધુ ખૈતાને જણાવ્યું હતું કે, યુવા શક્તિ કોઈપણ રાષ્ટ્રની સૌથી મોટી તાકાત હોય છે. કુદરતી આપત્તિના સમયે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પ્રશિક્ષિત યુવાનો સૌથી પહેલાં અસરગ્રસ્ત લોકો સુધી પહોંચી શકે છે અને તેમની સમયસરની કામગીરી અનેક કિંમતી માનવજીંદગીઓ બચાવવામાં નિર્ણાયક સાબિત થાય છે. તેમણે યુવાનોને તાલીમનો મહત્તમ લાભ લઈને સમાજ અને રાષ્ટ્રસેવામાં સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
સાત દિવસીય તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં પ્રાથમિક સારવાર (First Aid), પૂર અને પાણીમાંથી બચાવ કામગીરી, ભૂકંપ દરમિયાન રાહત અને બચાવ કામગીરી, આપત્તિ સમયે સંકલન, જોખમ વ્યવસ્થાપન અને ઇમરજન્સી પ્રતિભાવ જેવા વિષયોનો સમાવેશ કરાયો છે.
આ તાલીમ શિબિરમાં નેશનલ સર્વિસ સ્કીમ (NSS) અને માય ભારત (My Bharat) સાથે જોડાયેલા ઉત્સાહી યુવક-યુવતીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. તાલીમના સફળ સમાપન બાદ તમામ સહભાગીઓને ‘આપદામિત્ર’ અને ‘આપદાસખી’ તરીકેના સત્તાવાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ પોતાના વિસ્તારમાં આપત્તિ સમયે જિલ્લા વહીવટી તંત્ર, SDRF, NDRF તથા અન્ય બચાવ એજન્સીઓ સાથે સંકલનમાં રહી પ્રથમ પ્રતિભાવક તરીકે અસરકારક કામગીરી કરી શકશે.
આ નિવાસી તાલીમ શિબિર દ્વારા નર્મદા જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે સ્થાનિક સ્તરે સક્ષમ, જાગૃત અને પ્રશિક્ષિત યુવા સ્વયંસેવકોનું મજબૂત નેટવર્ક તૈયાર થશે, જે ભવિષ્યમાં આવનારી કુદરતી આપત્તિઓ સામે માનવજીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.



