GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાની શ્રી શેરગઢ કન્યા શાળામાં શાનદાર વેશભૂષા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

કેશોદ તાલુકાની શ્રી શેરગઢ કન્યા શાળામાં શાનદાર વેશભૂષા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

આજ રોજ શ્રી શેરગઢ કન્યા શાળા ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત કલાઓ અને પ્રતિભાને બહાર લાવવા તેમજ તેમનામાં મંચ પર બોલવાનો આત્મવિશ્વાસ વધારવાના હેતુથી એક ભવ્ય ‘વેશભૂષા કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે ૯:૦૦ કલાકે શાળાના આચાર્યશ્રી,શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. શાળાનો સમગ્ર માહોલ અનેરો અને ઉત્સાહથી ભરેલો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમળકાભેર ભાગ લીધો હતો. બાળકો વિવિધ આકર્ષક અને પ્રેરણાદાયક પાત્રોમાં સજ્જ થઈને મંચ પર આવ્યા હતાં.ઐતિહાસિક અને પૌરાણિક પાત્રો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મીરાંબાઈ, અને પૃથ્વીમાતા, ભારત માતાના વેશમાં આવેલી બાળકીઓએ સૌમાં દેશભક્તિનો સંચાર કર્યો હતો. સામાજિક સંદેશ: કેટલીક વિદ્યાર્થીનીઓએ ‘બેટી બચાવો – બેટી પઢાઓ’, ‘પર્યાવરણ બચાવો’ અને ‘સ્વચ્છ ભારત અભિયાન’ જેવા વિષયો પર વેશભૂષા ધારણ કરી સમાજને સુંદર સંદેશ પૂરો પાડ્યો હતો.વ્યવસાયિક પાત્ર, ભવિષ્યના સપનાઓ દર્શાવતા ડૉક્ટર, શિક્ષક, ડોક્ટર, દૂધ વેચનાર, શાકભાજી વેચનાર, પોલીસ અને સૈનિક જેવા પહેરવેશમાં પણ બાળકો આકર્ષક લાગી રહ્યા હતા. દરેક સ્પર્ધકે પોતાના પાત્રને અનુરૂપ મધુર કાલીઘેલી ભાષામાં અને આત્મવિશ્વાસ સાથે સંવાદો રજૂ કરી ઉપસ્થિત સર્વેના મન મોહી લીધા હતા અને સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.શાળાના શિક્ષકો દ્વારા બાળકોના અભિનય, પહેરવેશ, અને તેમની રજૂઆતને ધ્યાનમાં રાખીને બાળકોને બિરદાવવામાં આવ્યા હતા. આચાર્યશ્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બાળકોની મહેનત અને વાલીઓના સહકારની ખૂબ પ્રશંસા કરી હતી. અંતમાં, રાષ્ટ્રગીતના ગાન સાથે આ સુંદર, રંગારંગ અને યાદગાર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!