બાઇકની ટક્કરે સુરેલીના આધેડનો જીવ લીધો: અજાણ્યો બાઇક ચાલક સ્થળ પરથી ફરાર, પોલીસે તપાસ શરૂ કરી.

તારીખ ૧૮/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાલોલ તાલુકાના સુરેલી ગામે એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે રસ્તે ચાલતા આધેડને અડફેટે લેતા, ગંભીર ઇજાઓના કારણે આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને બાઇક ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરેલી ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય રયજીભાઈ સામતભાઈ પરમાર શુક્રવારની સવારે આશરે ૦૯:૩૦ વાગ્યે પોતાના ‘પીપળાવાળા ખેતર’ તરફ પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરેલી વિજય ભગત ની મુવાડી ગામ રોડ ઉપર, એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રયજીભાઈને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ગંભીર હતી કે રયજીભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ અજાણ્યો બાઇક ચાલક પોતાની મોટરસાયકલ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યાં ઘટનાની જાણ થતાં જ ગામના લોકો અને સગા-સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત રયજીભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ અંગે મૃતકના મોટા ભાઈ નાનુભાઈ સામતભાઈ પરમાર (ઉંમર ૫૮ વર્ષ, ધંધો: મજૂરી) એ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વેજલપુર પોલીસે ગુનો નોંધી, ફરાર બાઇક ચાલકને પકડી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.







