MEHSANAVIJAPUR

અકસ્માતમાં હત્યાના કેસમાં મુખ્ય આરોપીનું સીન રિકન્સ્ટ્રક્શન વિજાપુર પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનો ઘટનાક્રમ પુનઃ સર્જાવ્યો

અકસ્માતમાં હત્યાના કેસમાં મુખ્ય આરોપીનું સીન રિકન્સ્ટ્રક્શન
વિજાપુર પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનો ઘટનાક્રમ પુનઃ સર્જાવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુરમાં અકસ્માતના સ્વરૂપમાં ખપાવવાનો પ્રયાસ કરાયેલા ચર્ચાસ્પદ હત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપીનું ઘટનાસ્થળે સીન રિકન્સ્ટ્રક્શન હાથ ધરી તપાસને વધુ મજબૂત બનાવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.મુખ્ય આરોપી વિમલકુમાર રોહિતભાઈ પટેલે પોલીસ સમક્ષ ઘટનાના દિવસે મૃતક વિનોદભાઈ પટેલનો પીછો કેવી રીતે કરવામાં આવ્યો, બ્રેઝા કારથી એક્ટિવાને કયા સ્થળે ટક્કર મારવામાં આવી અને ત્યારબાદ કયા માર્ગે ફરાર થયો તે અંગે સ્થળ પર જ વિગતો દર્શાવી હતી. તપાસ અધિકારીઓએ સમગ્ર ઘટનાક્રમનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ પુરાવા અને અન્ય ઉપલબ્ધ પુરાવાઓ સાથે તેની ચકાસણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં અકસ્માત તરીકે નોંધાયેલા આ બનાવમાં વિજાપુર પોલીસે સઘન તપાસ બાદ પૂર્વ આયોજિત હત્યાનું કાવતરું બહાર લાવી મુખ્ય આરોપી સહિત સંડોવાયેલા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, સીન રિકન્સ્ટ્રક્શનના આધારે તપાસમાં મહત્વના પુરાવા વધુ મજબૂત બન્યા છે, જે કેસની આગળની કાર્યવાહી અને કોર્ટમાં રજૂઆત માટે ઉપયોગી સાબિત થશે.

Back to top button
error: Content is protected !!