
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.
લખપત,તા-૧૮ જુલાઈ : જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), મુખ્ય જિલ્લા તબીબી અધિકારી (CDMO) અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) દયાપર ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દયાપરના અધિક્ષક ડૉ. આર. ઓ. લોધ્રાના માર્ગદર્શન હેઠળ જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજના નિષ્ણાત તબીબો ડૉ. મુન્તઝિર માસ્ટર (ઓર્થોપેડિક), ડૉ. ખુશી ગણાત્રા (માનસિક રોગ નિષ્ણાત), ડૉ. રાજ ચૌધરી (કાન-નાક-ગળાના રોગ નિષ્ણાત) તથા ડૉ. અનુષ્કા પ્રજાપતિ (નેત્રરોગ નિષ્ણાત) દ્વારા દિવ્યાંગ નાગરિકોની વિગતવાર આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સાથે જ દિવ્યાંગતા પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી તબીબી મૂલ્યાંકન અને પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેમ્પમાં લખપત તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા 82 દિવ્યાંગ લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી સેવાઓનો લાભ મેળવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા સુપરવાઈઝર વિનોદભાઈ ગેલોતર, ઇમરાનભાઈ મન્સૂરી તથા વિશાલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવ્યાંગ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી લોકકલ્યાણકારી કામગીરીને બિરદાવી હતી.
કેમ્પને સફળ બનાવવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દયાપરના અધિક્ષક ડૉ. આર. ઓ. લોધ્રા, મ.પ.હે.સુ. અજય સોલંકી, તાલુકા સુપરવાઈઝર વિશાલ ગુસાઈ, RBSK ટીમ, CHO, FHW, MPHW સહિત તાલુકા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આયોજનથી લઈને કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. સૌના સંયુક્ત પ્રયાસોના પરિણામે કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા દિવ્યાંગ નાગરિકોને તેમના વિસ્તાર નજીક જ નિષ્ણાત તબીબી સેવા, દિવ્યાંગતા પ્રમાણપત્ર તેમજ સરકાર ની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે સમયાંતરે આવા લોકહિતના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આવા કેમ્પો દિવ્યાંગ નાગરિકોને વધુ સુવિધાજનક, સગવડભરી અને સમયસર સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.





