BHUJGUJARATKUTCH

કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

સંકલન સાધીને પ્રજાલક્ષી તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા અને નાગરિકોના હિતને પ્રાથમિકતા આપવા કચ્છ કલેક્ટર નું સૂચન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં ધારાસભ્ય ઓ દ્વારા ઘાસચારા, પાણી, વીજળી સહિતના કચ્છના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરાઇ

ભુજ,તા-૧૮ જુલાઈ :  કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને તથા રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં ભુજ કલેક્ટર ઓફિસ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ કલેક્ટર એ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીને પ્રજાહિતના લક્ષ્ય સાથે કામગીરી કરવા અધિકારી ઓને સૂચના આપી હતી.રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ રાજ્ય સરકાર દ્વારા ઘાસચારાના વિતરણ સંબંધે આપેલી મંજૂરી તથા તેની પ્રક્રિયા અંગે માહિતી આપીને આ નિર્ણયથી પશુપાલકોને ફાયદો થશે તેવું જણાવ્યું હતું. આ સાથે રાજ્યમંત્રી એ વીજળી, વનવિભાગ, નર્મદાના પાણીથી જળસ્ત્રોત ભરવા, અંડરપાસ તથા ખાણ-ખનિજ વિભાગ સંબંધી સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા અંગે વિભાગોને સૂચના આપી હતી. આ સાથે કચ્છ વહીવટીતંત્રની સમગ્ર ટીમને વરસાદ ખેંચાતા સર્જાયેલી મુશ્કેલી પરિસ્થિતિમાં સંકલન સાથે સુચારૂ કામગીરી કરવા જણાવ્યું હતું.ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે સમગ્ર જિલ્લામાં પાણીના વિતરણનું ઉત્કૃષ્ટ માળખું બનાવવા, બન્ની પાણી પુરવઠામાં પૂરતું પાણી આપવા, સિવિલ હોસ્પિટલમાં મફત દવા આપવા અંગે સર્જાતા પ્રશ્નોનો ઉકેલ લાવવા, પાણી વિતરણ વ્યવસ્થા સુદઢ બને તે માટેનું ચોક્કસ આયોજન કરવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપર ખાતે સરકારી કોલેજનું કામ, જાબરી-તલ લૈયારી ખાતે ડેમ નિર્માણ માટે જમીન સંપાદન, ધાવડા માટે રેવન્યૂ હક્કપત્ર, નખત્રાણા બાયપાસ માટેના કામની પ્રગતિ, ગજણસર ગામનું રેવન્યૂ રેકર્ડ લુડબાય જૂથ ગામ પંચાયતમાંથી કમી કરીને આમારા ખાતે તબદીલ કરવા, ખોંભડી કોમ્પલેક્ષ જૂથ પાણી પુરવઠા યોજના, પીવાના પાણી, જર્જરીત વીજવાયરો, વોટરશેડના કામો, કેનાલ રીપેરીંગ, લો વોલ્ટેજ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉ તાલુકાના ગામોમાં પીવાના પાણીની યોજના સંબંધી રજૂઆત સાથે જન્મના દાખલાની ધીમી પ્રક્રિયા, ભચાઉમાં ટ્રાફીક, ધોળાવીરામાં મંજૂરી વગર અટકેલા રિસોર્ટના બાંધકામ, રેલવે દ્વારા ખેતરોમાં જવા માટે બંધ કરાયેલા રસ્તા અંગે રજૂઆત કરી હતી.માંડવી ધારાસભ્ય અનિરુધ્ધભાઇ દવેએ બીદડાના ગૌચર અને ગામતળના પ્રશ્ન, દબાણ, નર્મદા કેનાલના બાંધકામથી ધોવાણમાં જતી ખેડૂતની જમીન, વિસંગતતાઓ દૂર કરીને સ્વામિત્વ યોજના હેઠળ માલિકી હક્ક પ્રસ્તાવિત કરવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. કચ્છ કલેક્ટર એ જનપ્રતિનિધિશ્રોના પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે સબંધિત અધિકારીશ્રીઓને આંતરીક સંકલન કરીને નિકાલ કરવા સૂચના આપી હતી. આ સાથે પાણી ચોરી અટકાવવા નિયમિત ચેકીંગ, ગ્રામીણ તથા શહેરોમાં સફાઇ સંદર્ભે વ્યવસ્થાપન કરીને કામગીરી કરવા, મિલ્કતોને આકારણી કરી રેકર્ડ પર લેવા, રખડતા પશુઓને પકડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવા, જિલ્લામાં ગામતળ, જાહેર સ્થળ સહિતના સ્થળો પર વૃક્ષારોપણની કામગીરી માટે આયોજન કરવા સહિતની સૂચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા, નાયબ વનસંરક્ષક આયુષ વર્મા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, ભુજ આરટીઓ અનિલ ગોસ્વામી,‌ અધિક કલેક્ટર પ્રણવ વીઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ સહિત કચ્છના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!