
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ તાપી અને ડાંગ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ‘શિક્ષણ સેવા સંગઠન પર્વ ૨૦૨૬’ ની ભવ્ય ઉજવણી શનિવાર, ૧૮ જુલાઈ ૨૦૨૬ ના રોજ તાપી જિલ્લાના વ્યારા મુકામે આવેલી કે.કે.કદમ કન્યા વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત ઓમકારના સામુહિક નાદ અને પ્રીતિબેન રુચિરભાઈ દેસાઈ દ્વારા પ્રસ્તુત મંગલ શ્લોકથી ભક્તિમય માહોલમાં થઈ હતી.ત્યારબાદ તાપી જિલ્લા સંકલન સમિતિના પ્રમુખ દિપકભાઈ કેપ્ટને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને રાજ્ય સંકલન સમિતિના પ્રતિનિધિઓનું શબ્દોથી ભાવભીનું સ્વાગત કર્યું હતુ.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ગુજરાત રાજ્ય વહીવટી મહામંડળના અધ્યક્ષ રાજવીર સિંહ ગોહિલે સભાને સંબોધતા સંગઠનના પ્રયાસોથી કર્મચારીઓને મળેલા લાભોની વિગતે ચર્ચા કરી હતી. તેમણે વહીવટી સંઘના પ્રશ્નો અને તેના ઉકેલો, કર્મચારીઓની બદલી, પ્રમોશન, ખાલી જગ્યાઓની ભરતી તેમજ સ્વાસ્થ્ય સંબંધી પ્રોટેક્શન જેવા મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.ત્યારબાદ નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડે વર્ષ ૧૯૪૭થી અત્યાર સુધી સંઘની માન્યતા અને માધ્યમિક શિક્ષકોને મળેલા લાભોનો ઈતિહાસ રજૂ કર્યો હતો. તેમણે ૨૦૦૫ પહેલાના શિક્ષકો માટે ઓપીએસ (OPS), ફાજલનું રક્ષણ અને પ્રસૂતિની રજા જેવા વિષયો પર વાત કરવાની સાથે તાપી જિલ્લામાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિના વિશેષ વખાણ કર્યા હતા.વલસાડ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિનાદભાઈ રાઠોડે વર્તમાન સમયમાં નવા સંઘ સામેના પડકારો અંગે જાગૃત રહેવા અપીલ કરી હતી.તેમણે ઉમેર્યું કે સંગઠનને મજબૂત રાખવા માટે હંમેશા મેળવવાની ઈચ્છા રાખવાને બદલે ક્યારેક જતું કરવાની ભાવના પણ કેળવવી જોઈએ.જ્યારે રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ કિશોરભાઈ જાનીએ પોતાના ધારદાર વક્તવ્યમાં જણાવ્યું કે, “કોઈપણ સંગઠન નસીબથી નહીં પણ મજબૂત નેતૃત્વ, સ્પષ્ટ વિઝન અને લાંબા ગાળાની યોજનાથી જીતે છે.” તેમણે સંગઠનને હોદ્દો નહીં પણ જવાબદારી ગણાવીને નિયમિત બેઠકો યોજવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે એક વ્યક્તિ શક્તિશાળી બની શકે, પરંતુ અજય તો માત્ર સંગઠન જ બની શકે છે.આ ઉજવણીમાં તાપી અને આસપાસના વિસ્તારમાંથી આશરે ૧૭૫ જેટલા આચાર્યો, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તાપી જિલ્લા સંકલન સમિતિના મહામંત્રી સંજય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ, જ્યારે કાર્યક્રમના સ્થળની તમામ સુંદર વ્યવસ્થાઓ રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ રુચિરભાઈ દેસાઈ દ્વારા સંભાળવામાં આવી હતી.કાર્યક્રમના અંતે ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ શૈલેષભાઈ ચૌધરીએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.ત્યારબાદ સામૂહિક રાષ્ટ્રગીતના ગાન સાથે આ ગરિમાપૂર્ણ કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયુ હતુ..




