વાવ-થરાદમાં પોલીસનું ‘ઓપરેશન બોર્ડર વોચ’: દારૂ-નશાના ધંધાર્થીઓ માટે લાલબત્તી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી) ની સંયુક્ત ટીમો દ્વારા રાજસ્થાન તરફથી જિલ્લામાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગો પર સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ કામગીરીમાં થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.રબારી, એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી.ચૌધરી તેમજ એસ.ઓ.જી ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.અમીનની આગેવાનીમાં પોલીસ ટીમો દિવસ-રાત વાહનોની તપાસ કરી રહી છે.
ખાસ કરીને ખોડા બોર્ડર અને વાતડાઉ ભારતમાલા ચેક પોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. અહીંથી પસાર થતા ચારચક્રી, માલવાહક તથા અન્ય તમામ વાહનોના દસ્તાવેજોની તપાસ સાથે શંકાસ્પદ વ્યક્તિઓ અને સામાનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર હથિયારો, દારૂ, નશાકારક પદાર્થો તેમજ અન્ય પ્રતિબંધિત સામગ્રીની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસ દ્વારા ગુનાખોરી સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી દારૂની હેરાફેરી, એન.ડી.પી.એસ. સંબંધિત ગુનાઓ, વોન્ટેડ આરોપીઓ અને અન્ય અસામાજિક તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરહદી વિસ્તારોમાં પોલીસની સતત હાજરી અને સઘન ચેકિંગને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
પોલીસની આ સક્રિય કામગીરીના કારણે વાવ-થરાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જિલ્લાના મુખ્ય પ્રવેશ માર્ગો પર પોલીસનો કડક પહેરો સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવી રહ્યો છે.




