અમદાવાદમાં ‘વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-2026’નો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવીન ટેક્નોલોજી અને ઉદ્યોગ વિકાસની સંભાવનાઓનું નિરીક્ષણ કર્યું

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-2026’ની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈને સ્ટેનલેસ સ્ટીલ, કિચનવેર, ક્રોકરી અને હોમ એપ્લાયન્સિસ ક્ષેત્રે રજૂ કરવામાં આવેલી અદ્યતન પ્રોડક્ટ્સ તથા નવીન ટેક્નોલોજીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશભરમાંથી આવેલા ઉત્પાદકો, ઉદ્યોગસાહસિકો અને પ્રદર્શકો સાથે સંવાદ સાધી તેમની કામગીરીની માહિતી મેળવી હતી તેમજ ઉદ્યોગના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ચાર દિવસીય આ B2B ટ્રેડ એક્ઝિબિશનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કિચનવેર, ક્રોકરી અને હોમ એપ્લાયન્સિસ ક્ષેત્ર સાથે સંકળાયેલા 100થી વધુ અગ્રણી સ્ટોલધારકો ભાગ લઈ રહ્યા છે. પ્રદર્શન દરમિયાન સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગમાં થઈ રહેલા આધુનિક સંશોધન, નવીન ઉત્પાદન પદ્ધતિઓ, અદ્યતન મશીનરી અને વૈશ્વિક બજારમાં વિકસતા નવા પ્રવાહોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સ્ટોલની મુલાકાત દરમિયાન પ્રદર્શિત ઉત્પાદનોની ગુણવત્તા, ટેક્નોલોજી અને ઉત્પાદન પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત હંમેશાં ઉદ્યોગ, ઉત્પાદન અને નવીનતાને પ્રોત્સાહન આપતું રાજ્ય રહ્યું છે અને આવા પ્રદર્શનો રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપવાની સાથે સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પ્રદર્શનમાં સ્ટેનલેસ સ્ટીલના ઘરેલુ ઉપયોગથી લઈને ઔદ્યોગિક ક્ષેત્ર સુધીના વિવિધ ઉત્પાદનો, સ્માર્ટ કિચન સોલ્યુશન્સ, આધુનિક હોમ એપ્લાયન્સિસ, હોટેલ અને હૉસ્પિટાલિટી ક્ષેત્ર માટેના સાધનો તેમજ પર્યાવરણમૈત્રી અને ઊર્જા કાર્યક્ષમ ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે. મુલાકાતીઓએ વિવિધ ઉત્પાદનોમાં અપનાવવામાં આવેલી નવીન ડિઝાઇન, ગુણવત્તા અને ટેક્નોલોજીની પ્રશંસા કરી હતી.
આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગને વધુ મજબૂત, સ્પર્ધાત્મક અને આત્મનિર્ભર બનાવવાનો છે. ગ્રીન સ્ટીલ ટેક્નોલોજી, ઉત્પાદન ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તન, MSME એકમોને પ્રોત્સાહન, નિકાસમાં વધારો, ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને રોજગારીના નવા અવસરોના સર્જન જેવા મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખીને વિવિધ વ્યાવસાયિક સત્રો અને ઉદ્યોગ સંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આયોજકોના જણાવ્યા મુજબ, 20 જુલાઈ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં દેશ-વિદેશની 500થી વધુ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહી છે. પરિણામે દેશભરના વેપારીઓ, વિતરકો, આયાતકારો, નિકાસકારો અને રિટેલર્સ માટે બિઝનેસ નેટવર્કિંગ, નવા વ્યાપારિક કરારો તથા બલ્ક ઓર્ડરની નોંધપાત્ર તકો ઉભી થઈ છે. આ પ્રદર્શન ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વૈશ્વિક બજારમાં વધુ મજબૂત સ્થાન અપાવવા માટે મહત્વપૂર્ણ મંચ તરીકે પણ ઉભરી રહ્યું છે.
ઉદ્યોગ નિષ્ણાતોના મતે, સ્ટેનલેસ સ્ટીલ ક્ષેત્રમાં વધી રહેલી માંગ, આધુનિક ઉત્પાદન ક્ષમતા અને ટેક્નોલોજીના ઝડપી વિકાસને કારણે ભારત આગામી વર્ષોમાં વૈશ્વિક ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરી શકે છે. ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં આવા આંતરરાષ્ટ્રીય ધોરણના ટ્રેડ એક્ઝિબિશનનું આયોજન સ્થાનિક ઉદ્યોગોને નવા બજારો, રોકાણ અને ટેક્નોલોજી સાથે જોડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રસંગે યોગેશભાઈ અગ્રવાલ, જયંતીભાઈ સરધારા, અશોક ભણસાલી, પ્રકાશ સંઘવી, નરેન્દ્ર દિવાકર, દિનેશ સેન, દિવ્યાંશ અગ્રવાલ સહિત વિવિધ અગ્રણી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, રિટેલર્સ, વેપારીઓ તથા મોટી સંખ્યામાં ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવા માટે નવીનતા, ગુણવત્તા અને ટેક્નોલોજી આધારિત વિકાસને વધુ વેગ આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.





