
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારામાં કરોડોના વિકાસના દાવા છતાં પાયાની સુવિધાઓ અધૂરી; મોન્સૂન ફેસ્ટિવલ પૂર્વે ટ્રાફિક વ્યવસ્થાને લઈને ઉઠ્યા ગંભીર સવાલો ઊભા થયા છે.
ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યના અદભુત નજારાથી ઝળહળતું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા હાલ પ્રવાસીઓથી છલકાઈ રહ્યું છે. ધુમ્મસથી ઢંકાયેલા ડુંગરો, લીલીછમ હરિયાળી, ધોધમાર વરસાદ અને મનમોહક વાતાવરણનો આનંદ માણવા દરરોજ હજારો સહેલાણીઓ સાપુતારા પહોંચી રહ્યા છે. પરંતુ પ્રવાસીઓની વધતી સંખ્યા સામે ટ્રાફિક અને પાર્કિંગની અપૂરતી વ્યવસ્થાએ સમગ્ર પ્રવાસન અનુભવને મુશ્કેલ બનાવી દીધો છે.
સાપુતારાના પ્રવેશદ્વારથી જ મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને વીકએન્ડ દરમિયાન કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા પ્રવાસીઓ અને સ્થાનિક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બીજી તરફ પૂરતી પાર્કિંગ સુવિધાના અભાવે વાહનો રસ્તાની બાજુમાં પાર્ક થતા વાહનવ્યવહાર વધુ ખોરવાઈ રહ્યો છે.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારાના વિકાસ માટે કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા હોવાના દાવા કરવામાં આવે છે. છતાં વધતા પ્રવાસી ભારને પહોંચી વળવા જરૂરી પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ અને માર્ગ વ્યવસ્થામાં હજુ પણ નોંધપાત્ર ખામી જોવા મળી રહી છે. પરિણામે દર ચોમાસામાં એકસરખી સ્થિતિ સર્જાતી હોવા છતાં તેના કાયમી ઉકેલ માટે અસરકારક આયોજન હજુ સુધી જોવા મળતું નથી.
આગામી દિવસોમાં રાજ્ય સરકારના મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત સાથે પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના છે. જો સમયસર યોગ્ય આયોજન નહીં કરવામાં આવે તો ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
સ્થાનિક વેપારીઓ, હોટેલ સંચાલકો તેમજ પ્રવાસીઓનું માનવું છે કે સાપુતારાને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું હોય તો વધારાના પાર્કિંગ પ્લોટ, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, શટલ બસ સેવા, માર્ગોની સાઈડ પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી અને પોલીસ-પ્રશાસન દ્વારા સુવ્યવસ્થિત ટ્રાફિક આયોજન તાત્કાલિક અમલમાં મૂકવું જરૂરી બન્યું છે.
પ્રવાસીઓની સુવિધા અને સાપુતારાની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર મોન્સૂન ફેસ્ટિવલ પહેલાં જ અસરકારક અને કાયમી ઉકેલ લાવે તેવી માંગ સ્થાનિકો અને સહેલાણીઓમાં જોર પકડી રહી છે.




