કાલોલ તાલુકામાં બે અલગ-અલગ ભયાનક માર્ગ અકસ્માત : હિટ એન્ડ રન અને માર્ગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત.

તારીખ ૧૯/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં વીકએન્ડ દરમિયાન બે અલગ-અલગ માર્ગ અકસ્માતોની ઘટના સામે આવી છે, જેમાં બે આશાસ્પદ યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કાલોલ અને વેજલપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, બંને અકસ્માતના બનાવોમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાલોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા બરોલા ગામે રવિવારે સવારે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. જ્યાં બરોલા ગામના ખેતરવાળા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ પ્રવિણસિંહ પરમાર (ઉં.વ. ૩૪) રવિવારે સવારે આશરે ૧૦:૩૦ વાગ્યે પોતાના ખેતરમાં ડાંગર રોપણીની કામગીરી જોવા માટે નીકળ્યા હતા. ઘર નજીકથી પસાર થતા બાકરોલથી અલીંદ્રા રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક પીકઅપ બોલેરો ડાલા નંબર: GJ-17-YY-0712 ના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવી કમલેશભાઈને જોરદાર અડફેટે લીધા હતા. અને અકસ્માત એટલો ગંભીર હતો કે કમલેશભાઈને માથાના પાછળના ભાગે તેમજ નાક અને મોઢામાંથી લોહી નીકળતા ગંભીર ઈજાઓ થઈ હતી. પરિવારજનો તાત્કાલિક તેમને કાલોલની સંજીવની હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની હરણી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મરણ જાહેર કર્યા હતા.મૃતકના મોટા ભાઈ ઉમેશકુમાર પ્રવિણસિંહ પરમારે આ મામલે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એમ આર મોહનીયાએ બોલેરો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ વેજલપુર પોલીસ મથકની હદમાં શનિવાર રાત્રિના સુમારે હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે.એરાલ ગામના ટેકરા ફળિયામાં રહેતો અશોકભાઈ રતિલાલ બારીયા (ઉં.વ. ૨૮) શનિવારે સાંજે લાકડા કાપવાની મજૂરી કામેથી પરત ફર્યા બાદ, રાત્રે સાતેક વાગ્યે પોતાની મોટરસાયકલ નંબર: GJ-07-CM-5929 લઈને ગેગડીયા ચોકડી તરફ આંટો મારવા નીકળ્યો હતો. ત્યારે ગેગડીયા ચોકડીથી એરાલ જતા રોડ પર, પ્રેસિડન્ટ કંપનીથી થોડે દૂર કેનાલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે અશોકભાઈની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈ વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.અકસ્માતને કારણે રોડ પર પટકાયેલા અશોકભાઈને શરીરે તેમજ માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. રાત્રે દશેક વાગ્યે ગામના સરપંચના ભાઈ દ્વારા પરિવારને જાણ કરાતા માતા સુમિત્રાબેન અને સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા અને લાશને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હતી.આ મામલે મૃતકની વિધવા માતા સુમિત્રાબેન રતિલાલ બારીયાએ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એલ એફ કટારાએ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.






