જાહેરનામાનો ભંગ: કાલોલની કોહીનૂર હોટલમાં CCTV કેમેરા ન મળતા પોલીસ ફરિયાદ.

તારીખ ૧૯/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ ટાઉન પોલીસ મથકે ગઈકાલે જાહેરનામા ભંગ બદલ એક હોટેલ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોધરા-કાલોલ રોડ ઉપર આવેલ કોહીનૂર હોટેલમાં જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર ફરજિયાત સીસીટીવી (CCTV) કેમેરા ન લગાવીને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ હોટેલ માલિક સામે ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનના A.S.I.અને તેમની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની ચકાસણીમાં હતા, તે દરમિયાન ગોધરા-કાલોલ હાઇવે પર આવેલી હોટેલોમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કોહીનૂર હોટેલમાં કોઈ પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે હોટેલના સંચાલકને પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ કે આધાર મળ્યો ન હતો. પોલીસે આરોપી ઝકવાન ઇકબાલ અબ્દુલસલામ દાવલા (ઉંમર ૨૮ વર્ષ, ધંધો: વેપાર,રહેવાસી: શિવમપાર્ક સોસાયટી, કાલોલ, જી. પંચમહાલ સામે કલમ ૨૨૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.







