નવસારી: જિલ્લા માર્ગ સલામતી સમીક્ષા બેઠક યોજાઈ: માર્ગ અકસ્માતો ઘટાડવા કલેક્ટરશ્રીએ આપ્યા જરૂરી નિર્દેશો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સહિત માર્ગ સલામતી સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ અકસ્માતોના આંકડાઓની સમીક્ષા કરી અકસ્માતપ્રવણ ‘બ્લેક સ્પોટ’ પર તાત્કાલિક સુધારાત્મક કામગીરી હાથ ધરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. હાઈવે અને મુખ્ય માર્ગો પર બંધ સ્ટ્રીટ લાઈટો શરૂ કરવા, જરૂરી સ્થળોએ નવી લાઈટો સ્થાપિત કરવા તેમજ રિફ્લેક્ટર, કેટ-આઈ, રોડ માર્કિંગ અને બિસ્માર રસ્તાઓનું રિસરફેસિંગ સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, રાહદારીઓની સુરક્ષા માટે જરૂરી સ્થળોએ પેડેસ્ટ્રિયન ગાર્ડ રેલ સ્થાપિત કરવા અને તમામ વિભાગોએ સંયુક્ત સ્થળ મુલાકાત લઈને માર્ગ સલામતીના પગલાંઓનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો.



