BHUJGUJARATKUTCH

આયુષ્માન કાર્ડ બન્યું કચ્છના રાપર તાલુકાના મોડા ગામના કરમશીભાઈ માટે સંજીવની : તબીબી સારવારનો લાખોનો ખર્ચ બચ્યો.

આયુષ્માન કાર્ડના લીધે કરમશીભાઈને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના કેન્સરની સફળ સર્જરી અને સારવાર મળતા તેઓ સંપૂર્ણ સ્વસ્થ અને સામાન્ય જીવન જીવી રહ્યા છે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૦ જુલાઈ : સરકારની આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુશ્કેલીના સમયમાં કેટલી મોટી રાહત આપે છે તેનું ઉદાહરણ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મોડા ગામમાં જોવા મળ્યું. આયુષ્માન આરોગ્ય મંદિર, મોડાની આરોગ્ય ટીમની અગમચેતીને કારણે ૪૧ વર્ષીય કેન્સર પીડિત રબારી કરમશીભાઈ શકુભાઇને વિનામૂલ્યે સારવાર મળતા તેમને નવજીવન પ્રાપ્ત થયું છે.આયુષ્માન આરોગ્ય મંદિર, મોડાની આરોગ્ય ટીમ દ્વારા ગામના દરેક પાત્ર નાગરિકનું આયુષ્માન કાર્ડ બને તે માટે સતત ઘર-ઘર સંપર્ક અને જનજાગૃતિ કરવામાં આવી રહી છે. આ અભિયાન દરમિયાન ટીમે કરમશીભાઈનું રૂ.૧૦ લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા ધરાવતું આયુષ્માન કાર્ડ અગાઉથી જ બનાવી આપ્યું હતું.થોડા સમય બાદ કરમશીભાઈને કેન્સરનું નિદાન થતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. સારવાર અને સર્જરીનો ખર્ચ લાખોમાં જતો હોવાથી શું કરવું તે સમજાતું ન હતું. તે સમયે પહેલેથી બનાવેલું આયુષ્માન કાર્ડ પરિવાર માટે આશીર્વાદરૂપ બન્યું. માહિતી મળતા જ આયુષ્માન આરોગ્ય મંદિર, મોડાની ટીમે પરિવારનો સંપર્ક કરી હોસ્પિટલમાં દાખલ થવાની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને કેશલેસ સારવાર અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું.આયુષ્માન કાર્ડના આધારે કરમશીભાઈને સરકારની યોજના હેઠળ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના કેન્સરની સફળ સર્જરી અને સારવાર મળી. સમયસર સારવાર મળતા આજે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને સામાન્ય જીવન જીવી રહ્યા છે.કરમશીભાઈ અને પરિવારે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “જો આરોગ્ય મંદિરની ટીમે અગાઉથી અમારું આયુષ્માન કાર્ડ બનાવી આપ્યું ન હોત તો આટલો મોટો ખર્ચ ઉઠાવવો અમારા માટે અશક્ય હતો. સરકારની યોજના અને ટીમના માર્ગદર્શનથી આજે મને નવજીવન મળ્યું છે.”આયુષ્માન આરોગ્ય મંદિર, મોડાની ટીમે જણાવ્યું હતું કે, “બીમારી ક્યારેય કહીને આવતી નથી. દરેક પાત્ર નાગરિકે સમયસર પોતાનું આયુષ્માન કાર્ડ બનાવી રાખવું જોઈએ. કટોકટીના સમયે પહેલેથી બનેલું કાર્ડ દર્દીને તાત્કાલિક અને વિનામૂલ્યે સારવાર મેળવવામાં અમૂલ્ય સાબિત થાય છે. ગામના દરેક પાત્ર નાગરિક સુધી આ યોજનાનો લાભ પહોંચાડવાનો અમારો સંકલ્પ છે.”કરમશીભાઈની પ્રાપ્ત નિઃશુલ્ક સારવાર સાબિત કરે છે કે, આયુષ્માન ભારત યોજના માત્ર એક કાર્ડ નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં પરિવારને આર્થિક સુરક્ષા અને દર્દીને નવજીવન આપતી સંજીવની છે. આરોગ્ય ટીમની આગોતરી કામગીરીના કારણે એક પરિવારને લાખો રૂપિયાના સારવાર ખર્ચમાંથી રાહત મળી.

Back to top button
error: Content is protected !!