
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ – ખેરગામ
ખેરગામ તાલુકાના બહેજ ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. બહેજ ગામના વતની અને બહેજ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પિયુષભાઈ ખાલપભાઈ પટેલની ગુજરાત હોકી ટીમમાં પસંદગી થતાં સમગ્ર બહેજ ગામ તેમજ ખેરગામ તાલુકામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.હાલ તેઓ સ્પોર્ટ્સ સ્કૂલ, બીલીમોરામાં રહી અભ્યાસ સાથે હોકીની તાલીમ લઈ રહ્યા છે. તેમની મહેનત અને ઉત્કૃષ્ટ રમતગમતના પ્રદર્શનને પગલે તેઓ નવસારી જિલ્લા હોકી ટીમના કપ્તાન તરીકે પણ સફળતાપૂર્વક જવાબદારી નિભાવી રહ્યા છે.ગુજરાત ટીમમાં પસંદગી બાદ હવે પિયુષભાઈ તમિલનાડુના કોઇમ્બતુર ખાતે યોજાનારી 16મી હોકી ઈન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેમની આ સિદ્ધિથી પરિવારજનો, શિક્ષકો, મિત્રો અને સમગ્ર તાલુકામાં ખુશીની લહેર ફેલાઈ છે. સ્થાનિક લોકોએ આશા વ્યક્ત કરી છે કે પિયુષભાઈ રાષ્ટ્રીય સ્તરે પણ શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત અને ખેરગામ તાલુકાનું નામ વધુ રોશન કરશે. તેમની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.



