MORBI:મોરબી: રવાપર વિસ્તારના બિસ્માર રસ્તાઓથી કંટાળી સ્થાનિકો આકરા પાણીએ; ચક્કાજામ બાદ થાળીઓ વગાડી ધારાસભ્યની ઓફિસે વિરોધ દર્શાવ્યો

MORBI:મોરબી: રવાપર વિસ્તારના બિસ્માર રસ્તાઓથી કંટાળી સ્થાનિકો આકરા પાણીએ; ચક્કાજામ બાદ થાળીઓ વગાડી ધારાસભ્યની ઓફિસે વિરોધ દર્શાવ્યો
મોરબીના પોશ ગણાતા રવાપર રોડ અને આસપાસની સોસાયટીઓમાં છેલ્લા ૪ વર્ષથી બિસ્માર રસ્તાઓની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકોની ધીરજ આખરે ખૂટી છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી ન હાલતાં, આજે સ્થાનિક રહીશો અને મોટી સંખ્યામાં મહિલાઓએ રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગોલ્ડન માર્કેટની બાજુમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટી, બોની પાર્કની પાછળનો ભાગ, વૈભવનગર, નીતિનનગર, ચિત્રકૂટ અને રવાપર મેઈન રોડ તેમજ રઘુપતિ હાઈટ્સ આસપાસના રહીશોએ એકઠા થઈને રવાપર ચોકડી ખાતે ચક્કાજામ કરી દીધો હતો. વિરોધ કરી રહેલા આગેવાનો અને નિલેશ એરવાડિયા સ્થળ પર દોડી આવ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ:સોસાયટીના આંતરિક રસ્તાઓ સાવ બિસ્માર થઈ ગયા છે.રસ્તાઓ પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ વધુ કથળી છે.ખરાબ રસ્તાઓને કારણે બાળકો અને વૃદ્ધો અવારનવાર પડી જાય છે અને હાથ-પગ ભાંગવાના બનાવો બને છે.મહિલાઓને શાકભાજી કે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ લેવા જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે અને ટ્રાફિકની પણ ગંભીર સમસ્યા સર્જાય છે.
સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા ૪ વર્ષથી આ સમસ્યા યથાવત છે. ગોકળગાય ગતિએ ચાલતા કામ અંગે તંત્રને ૫૨થી વધુ વખત આવેદન અને અરજીઓ આપવામાં આવી છે. આમ છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે આખરે મહિલાઓ અને રહીશોને ચક્કાજામ કરવાની ફરજ પડી હતી.
“જ્યાં સુધી મેયર અને કમિશનર રૂબરૂ આવીને ટૂંકા ગાળામાં કામ શરૂ કરવાની ખાતરી નહીં આપે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.”રવાપર ચોકડી ખાતે ચક્કાજામ કર્યા બાદ સ્થાનિકોએ તંત્રને સાંજના ૪ વાગ્યા સુધીનું આખરી અલ્ટીમેટમ આપીને હાલ પૂરતો ચક્કાજામ હટાવ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં એકઠાં થયેલા સ્થાનિકો અને મહિલાઓ થાળીઓ વગાડતાં વગાડતાં સુપર માર્કેટ ખાતે આવેલી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઓફિસે પહોંચ્યા હતા.
ઓફિસમાં પ્રવેશ કરીને મહિલાઓએ થાળીઓ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યાલયના પ્રતિનિધિઓ સમક્ષ પોતાની પડતર સમસ્યાઓનો વહેલી તકે કાયમી નિકાલ કરવાની માંગ કરી હતી.સ્થાનિક રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો આપેલી સમયમર્યાદામાં રોડ-રસ્તાનું કામ વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર અને મોટું આંદોલન કરવામાં આવશે.










