
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલ વિદ્યાર્થી મારકાંડ : ત્રણ દિવસ બાદ પણ ટ્રસ્ટી હરેશ પટેલ અને આચાર્ય ચંદ્રસેન ફરાર, વાલીઓએ ન્યાય માટે ઉઠાવ્યા સવાલો..!!!
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીને પ્લાસ્ટિકની પાઇપ અને દંડા વડે માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ બાદ નોંધાયેલા ગુનામાં ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં પીડિત વિદ્યાર્થીના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે.
આ મામલે સ્કૂલના ટ્રસ્ટી હરેશ પટેલ અને આચાર્ય ચંદ્રસેન પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ બંને આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સ્તરે બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.પીડિત વિદ્યાર્થીના વાલીઓનો આક્ષેપ છે કે ફરિયાદ નોંધાયા બાદ પણ હજુ સુધી આરોપીઓ સામે કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, “અમારા દીકરાને ન્યાય ક્યારે મળશે..? “વાલીઓએ પોલીસ તંત્રને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની ઘટના વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.આ સમગ્ર ઘટનાએ મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. હવે પોલીસ આરોપીઓને ક્યારે ઝડપી પાડે છે અને તપાસમાં આગળ શું બહાર આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.





