સાબરકાંઠા જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 તથા “10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું” યોજનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 તથા “10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું” યોજનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ
પશુપાલકોને ઝડપી, ગુણવત્તાસભર અને સુલભ પશુ આરોગ્ય સેવાઓ પહોંચાડવા કામગીરી વધુ અસરકારક બનાવવા કલેક્ટરશ્રીનું માર્ગદર્શન
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી એચ. પી. પટેલની ઉપસ્થિતિમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 તથા “10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું” યોજનાની એપ્રિલ, મે અને જૂન–2026ની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન આ યોજનાઓ હેઠળ એપ્રિલથી જૂન–2026 દરમિયાન કરવામાં આવેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પશુપાલકોને સમયસર અને અસરકારક પશુ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 દ્વારા આપવામાં આવેલી તાત્કાલિક સારવાર, “10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું” યોજના હેઠળ ગામડાંઓમાં પહોંચાડવામાં આવેલી સેવાઓ, સેવા પહોંચ, કામગીરીની ગુણવત્તા તેમજ વિવિધ સૂચકાંકો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ પશુપાલકોને ઝડપી, સરળ અને ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે માટે તમામ સંબંધિત અધિકારીઓને વધુ સંકલન સાથે કાર્ય કરવા સૂચના આપી હતી. તેમણે યોજનાઓના અસરકારક અમલીકરણ, સમયસર સેવા પ્રદાન, ફરિયાદોના ત્વરિત નિવારણ તેમજ વધુમાં વધુ પશુપાલકો સુધી સેવાઓ પહોંચે તે માટે સતત મોનિટરિંગ રાખવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં આગામી સમયગાળાની કામગીરીનું આયોજન, સેવાઓની અસરકારકતા વધારવા માટેના સૂચનો તેમજ બંને યોજનાઓને વધુ પરિણામલક્ષી બનાવવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અરુણાબેન કડિયા, પશુપાલન વિભાગના અધિકારીઓ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ના પ્રતિનિધિઓ, “10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું” યોજનાના સંચાલકો તથા સંબંધિત અધિકારીઓ તેમજ પ્રાણી અત્યાચાર સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા




