MALIYA (Miyana માળિયાના ખીરઈમાં જમીન પચાવી પાડવાના ઈરાદે ખેડૂત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, બે સામે ગુનો નોંધાયો

MALIYA (Miyana માળિયાના ખીરઈમાં જમીન પચાવી પાડવાના ઈરાદે ખેડૂત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, બે સામે ગુનો નોંધાયો
માળિયા મિયાણા તાલુકાના ખીરઈ ગામે પોતાની જમીનમાં શાંતિપૂર્વક ખેતીકામ કરી રહેલા એક ખેડૂત પરિવાર પર જમીન હડપ કરી લેવાના ઈરાદે બે શખસોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પીડિત ખેડૂતે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મૂળ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા અને ખેતીકામ કરતા પરેશભાઇ લખમણભાઇ ભોરણીયા (ઉં.વ. ૩૫) ખીરઈ ગામની સીમમાં આવેલી પોતાની માલિકીની જમીનમાં ખેડ કરી રહ્યા હતા. આ દરમિયાન ખીરઈ ગામના જ રહેવાસી ઈકબાલ હાજીભાઈ મોવર અને રણમલ દિલાવર ઉર્ફે દિલાભાઈ સામતાણી નામના બે શખસો ત્યાં આવી પહોંચ્યા હતા.
આરોપીઓએ ખેડૂતને ખેતર ખેડતા રોકીને “આ ખેતર અમારું છે” તેમ કહી અચાનક બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હતી અને “જો ખેતરમાં બીજી વાર આવ્યા કે કામ ચાલુ રાખ્યું તો ફાયરિંગ કરી ભડાકે દઈ દેશું” તેવી ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે પરેશભાઇ ભોરણીયાની ફરિયાદના આધારે માળિયા મીયાણા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તજવીજ શરૂ કરી છે.







