કાલોલમાં જમીન વિવાદમાં જૂની અદાવત રાખી એક જ પરિવારના ત્રણ સભ્યો પર હુમલો: ૪ ઇસમો સામે ફરિયાદ નોંધાઇ.

તારીખ ૨૨/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે જમીન બાબતે ચાલતા જૂના વિવાદ અને કોર્ટ કેસની અદાવત રાખીને એક પરિવારના સભ્યો પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, ૨૦ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે કાલોલ સ્ટેશન રોડ પર આવેલ ફાયર બ્રિગેડની ઓફિસની બાજુમાં કંચનભાઈ અંબાલાલ પટેલ શાકભાજી વેચી રહ્યા હતા. તે સમયે જમીન વિવાદની અદાવત રાખી આરોપીઓ અશોકભાઈ ભાઈલાલભાઈ પટેલ, નીલકુમાર અરૂણભાઈ પટેલ, રાજેશભાઈ ભાઈલાલભાઈ પટેલ અને શંકરભાઈ ભીખાભાઈ પટેલ ત્યાં આવી પહોંચ્યા હતા.આરોપીઓએ “ધરમપુરી ગામે આવેલ જમીન અમારી છે, છતાં તમે અમારી ઉપર કેસ કેમ કરેલ છે?” તેમ કહી બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈને કંચનભાઈ પર લાકડી વડે હુમલો કરી દીધો હતો.ઝઘડા દરમિયાન કંચનભાઈના પુત્ર તરલ પટેલ અને નીલેશભાઈ પટેલ વચ્ચે છોડાવવા પડતાં આરોપીઓએ તેમના પર પણ લાકડીઓ વડે હુમલો કરી શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. એટલું જ નહીં, આરોપીઓએ “જો પોલીસ કેસ કરશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી પણ આપી હતી.ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોટરસાયકલ અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કાલોલ સરકારી દવાખાને અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ મામલે ફરિયાદી રાહુલકુમાર કંચનભાઈ પટેલે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૪ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.







