BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ઝઘડિયામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ: 3 વર્ષની બાળકીમાં લક્ષણો દેખાયા, સેમ્પલ રિપોર્ટની રાહ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આશરે ૩ વર્ષની એક બાળકીમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

તબીબોના જણાવ્યા અનુસાર, બાળકીને તાવ, ઝાડા, ઉલટી અને ખેંચ આવવાની ફરિયાદ હતી. સાવચેતીના ભાગરૂપે, બાળકીના સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બાળકીને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે અને તેની સ્થિતિ હાલ ચિંતાજનક નથી.

શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યું છે. સંબંધિત ગામમાં સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.

આ કેસની સત્તાવાર પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ થશે. આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર ન હોવાની અપીલ કરી છે, પરંતુ સ્વચ્છતા જાળવવા અને બાળકોમાં તાવ કે અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!