Rajkot: રાજકોટ પોલીસ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજવામાં આવી

તા.૨૨/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
શહેરમાં છ માસમાં ટ્રાફિક નિયમ ભંગના ૮૯ હજારથી વધુ કેસો કરી રૂ. ૩.૪૨ કરોડનો દંડ વસૂલાયો
૫૦થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા ૨૨૮ વાહનચાલકોને નોટિસ પાઠવાઈ, લાયસન્સ કેન્સલ કરવાની કાર્યવાહી થશે
ચોમાસામાં ખાડા પૂરવા, મોટા સર્કલો રિ-ડિઝાઈન કરી લેફ્ટ સાઈડ ખુલ્લી રાખવા સૂચના અપાઈ
Rajkot: રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં આજે શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. ‘પ્રત્યેક માનવ જિંદગી મહત્વની છે’ તેના પર ભાર મુકતા પોલીસ કમિશનરશ્રીએ હાઇવે પરના ગેપ ઈન મીડિયન તત્કાલ બંધ કરવા, વરસાદથી પડેલા ખાડાઓ બૂરવા સહિતની સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં માર્ગ સલામતિ, નિયમભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી, ગેરકાયદે મીડિયન કટ બંધ કરવા તેમજ ચોમાસા દરમિયાન રસ્તાની સ્થિતિ સુધારવા અંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
શહેરમાં ટ્રાફિક નિયમભંગ સામે થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, ૫૦થી વધુ ઈ-ચલણ પેન્ડિંગ હોય તેવા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. જે અંતર્ગત ૨૨૮ લોકોને નોટિસ જારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ખરાઈ કરીને તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અનઅધિકૃત વ્હાઈટ એલ.ઈ.ડી. લાઈટ અંગે ૬૪૩ કેસ કરીને રૂ. ૬,૪૩,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા ૩૬ લાઈટ વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી છે.
રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા જૂન માસમાં વિશેષ ડ્રાઈવ યોજી, કાળા કાચવાળા વાહનો સંબંધિત ૧૫૮૬, નંબર પ્લેટ વિનાના વાહનો સંબંધિત ૧૦૪૨ મળીને કુલ ૨,૬૨૮ કેસો કરી, ૧૨ વાહનો ડિટેઈન કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે જુલાઈ માસમાં કાળા કાચ સંબંધિત ૫૧૭ કેસ તથા નંબર પ્લેટ વિનાના વાહનો સંબંધિત ૮૩૮ મળીને કુલ ૧૩૫૫ કેસો કરવામાં આવ્યા છે.
આ તકે પોલીસ કમિશનરશ્રીએ આ પ્રકારની ડ્રાઈવ આગામી દિવસોમાં વધુ કડક રીતે ચાલુ રાખવા સૂચના આપી હતી. શહેરમાં ચાર રસ્તાઓ પર જ્યાં મોટા સર્કલો આવેલા છે, તેને રિ-ડિઝાઈન કરીને લેફ્ટ સાઈડ ખુલ્લી રહે તેવું આયોજન કરવા સૂચના આપી હતી.
શહેરમાં રોડ રસ્તા પર ભિક્ષાવૃતિ કરીને ટ્રાફિકમાં અવરોધરૂપ થતા ૩૩ બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૦૬ બાળકોને રેસ્ક્યૂ કરીને ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરી બાલાશ્રમમાં મુકવામાં આવ્યા છે.
આ તકે ચોમાસામાં હાઈવે તેમજ રોડ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આવા ખાડાઓ બૂરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહીની વિગતો રજૂ કરાઈ હતી કે, વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરીથી જૂન સુધીમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી હેઠળ કુલ ૮૯,૯૬૨ કેસો નોંધી કુલ રૂ. ૩,૪૨,૭૭,૨૦૦નો દંડ એકત્ર કરવામાં આવ્યો છે. ૪૯,૪૬૫ ઈ-ચલણ જારી કરાયા છે. કાળા કાચ ધરાવતા વાહનો સામે ૩,૩૨૧ કેસ કરીને રૂ. ૧૬,૬૦,૫૦૦નો દંડ વસૂલ કરાયો છે. હેલ્મેટના કડક અમલીકરણ માટે યોજાયેલી વિશેષ ડ્રાઇવમાં ૧,૭૩૧ કેસ નોંધી રૂ. ૮,૬૫,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગેરકાયદે પાર્કિંગ ડામવા માટે ક્રેઇન અને ટોઇંગ મારફતે ફોર-વ્હીલરના ૧૦,૦૬૪ કેસ કરીને રૂ. ૭૮,૬૭,૭૦૦ અને ટુ-વ્હીલરના ૬,૨૪૨ કેસ કરીને રૂ. ૪૧,૭૧,૬૦૦નો દંડ કરવામાં આવ્યો છે.
જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન એસ.ટી. વિભાગ સાથે મળીને યોજાયેલી ૯ સંયુક્ત ડ્રાઇવમાં ૨૯૮ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જેમાં ૨૮૮ ફોર-વ્હીલર અને ૧૦ બસનો સમાવેશ થાય છે.
ટ્રાફિક શાખા દ્વારા કાયદાકીય કડક કાર્યવાહીની સાથે જાગરૂકતા લાવવાના પણ પ્રયાસો કરાયા છે. વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં વિવિધ શાળાઓ અને કોલેજોમાં ટ્રાફિક અવેરનેસના ૬૮ કાર્યક્રમો યોજીને ૮,૩૭૭થી વધુ લોકોને માર્ગ સલામતિ અંગે સમજ આપવામાં આવી છે.
‘કોમ્પેન્સેશન ટુ વિક્ટિમ્સ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ્સ સ્કીમ, ૨૦૨૨’ હેઠળ અકસ્માત પીડિતોને મદદરૂપ થવા ૫૯ કેસમાં ૬૧ લાભાર્થીઓને કુલ રૂ. ૮૬ લાખની વળતર સહાય મંજૂર કરવામાં આવી છે.
બેઠકમાં રાજકોટ-મોરબી સ્ટેટ હાઈ-વે પર બાકી રહેલા ૧૬ ગેરકાયદે મીડિયન ગેપ બંધ કરવા અંગે ચર્ચા થઈ હતી. જેમાં આ બધા ગેપને તાત્કાલિક બંધ કરવા તથા મીડિયન ગેપ તોડી પાડનારા જવાબદારો સામે એફ.આઈ.આર. દાખલ કરવા સૂચના આપવામાં આવી હતી. રાજકોટ-કાલાવડ રોડ પર મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો નોંધવામાં આવ્યો હોવાનું બેઠકમાં જણાવાયું હતું.
આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક, આર.ટી.ઓ. શ્રી આઈ.એસ. ટાંક તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




