GUJARATKHERGAMNAVSARI

બહેજના લેરકા ફળિયામાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉગ્ર બન્યો

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

મામલતદારે સ્થળ પર પહોંચી બંને પક્ષોને સાંભળી ઉકેલનો પ્રયાસ કર્યો

ખેરગામ તાલુકાના બહેજ ગામના લેરકા ફળિયામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે આજે સવારે લેરકા ફળિયાના ગ્રામજનોએ ખેરગામ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક પ્રશ્નનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ મામલતદારે બે દિવસમાં પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. જોકે, આવેદનપત્ર આપ્યાના અંદાજે બે કલાક બાદ નાયબ મામલતદાર જીસીબી સાથે સ્થળ પર પહોંચી પ્રોટેક્શન વોલ તોડવાની કામગીરી શરૂ કરાવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોના વિરોધને પગલે સ્થળ પર તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું અને જીસીબીની કામગીરી અટકાવવાની ફરજ પડી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ તથા પ્રશાસનના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. સાથે જ માજી નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, માજી તાલુકા પંચાયત સભ્ય સુભાષભાઈ પટેલ, ખેરગામ તાલુકા કોંગ્રેસ યુથ પ્રમુખ પૂરવ તળાવીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સસીનભાઈ પટેલ, ધર્મેશભાઈ તથા વિમલભાઈ પટેલ સહિતના આગેવાનો પણ સ્થળ પર પહોંચ્યા હતા. પાણીના નિકાલના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું.ગ્રામજનોના ગંભીર આક્ષેપ મુજબ, નાયબ મામલતદારે લોકોની રજૂઆત સાંભળવાને બદલે ઉગ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. “આ તમારું છે? તમે માલિક છો?” જેવા શબ્દો ઉચ્ચારી અધિકારીશાહીનો રૂબાબ જમાવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. બાદમાં મામલતદાર પોતે સ્થળ પર પહોંચ્યા, બંને પક્ષોની વાત શાંતિપૂર્વક સાંભળી અને પરિસ્થિતિને થાળે પાડી સમાધાનનો માર્ગ શોધવાનો પ્રયાસ કર્યો હતો. મામલતદારની મધ્યસ્થતા બાદ મામલો શાંત પડ્યો હતો.હવે ગ્રામજનોની માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી દર વર્ષે સર્જાતી મુશ્કેલીમાંથી લોકોને મુક્તિ મળી શકે.

Back to top button
error: Content is protected !!