ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેર પાણી-પાણી; ખેડૂતોમાં ખુશીનો માહોલ, રેડ એલર્ટ વચ્ચે શાળાઓમાં રજા જાહેર


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલો મુશળધાર વરસાદ સવાર સુધી યથાવત રહેતા સમગ્ર જિલ્લામાં ચોમાસાએ જોરદાર રંગ જમાવ્યો હતો. ભરૂચ શહેર સહિત અંકલેશ્વર, વાગરા, જંબુસર, આમોદ, ઝઘડિયા, નેત્રંગ અને હાંસોટ તાલુકામાં સારો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ભરૂચ શહેરના અનેક મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો અને બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સતત વરસતા વરસાદને કારણે ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને અનેક સ્થળોએ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સાવચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા અને વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી હતી. પાણી ભરાવાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જ્યારે જરૂરી સ્થળોએ ટીમો તૈનાત કરવામાં આવી હતી જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
બીજી તરફ આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડાંગર, કપાસ, મકાઈ સહિતના ખરીફ પાક માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. ખેતરોમાં પાણી પહોંચતા વાવણી અને પાકના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.
વરસાદથી જિલ્લાના નદી-નાળા અને તળાવોમાં નવા નીરની આવક શરૂ થઈ છે, જેના કારણે ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
એક તરફ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા અને જનજીવન પ્રભાવિત બન્યું, તો બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ ખુશીના સમાચાર લઈને આવ્યો છે. હવે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.



