
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને લઈ કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવાયુ..
દેશમાં શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલી અનિયમિતતાઓ, દેશભરમાં ચર્ચિત પેપર લીક કૌભાંડો, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા કથિત અત્યાચાર તેમજ સ્થાનિક આદિવાસી વિદ્યાર્થીઓની વણઉકેલાયેલી સમસ્યાઓને મુદ્દે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. કોંગ્રેસી નેતા સ્નેહલ ઠાકરે અને મંગળભાઈ ગાવીત સહિતના અનેક પક્ષીય કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યપાલને આ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં મુખ્યત્વે દેશમાં વારંવાર બનતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીકની ઘટનાઓ પ્રત્યે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે, વર્ષોથી મહેનત કરતા ગરીબ અને હોંશિયાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.દિલ્હીના જંતર-મંતર ખાતે આ મુદ્દે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા બળપ્રયોગને લોકશાહી અને બંધારણીય મૂલ્યો પર પ્રહાર ગણાવ્યો હતો. પરીક્ષાઓની પારદર્શકતા જાળવવામાં નિષ્ફળ રહેવા બદલ દેશના શિક્ષણ મંત્રી તુરંત રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી છે.આ ઉપરાંત, આ જ વિરોધ પ્રદર્શન દરમિયાન લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની કરાયેલી અટકાયતને પણ ગેરબંધારણીય ગણાવી તેની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી.રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપરાંત આદિવાસી બહુલ ધરાવતા ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓને પડતી દૈનિક મુશ્કેલીઓ અંગે પણ કલેક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું હતુ.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,ડાંગના અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે પૂરતી એસ.ટી. બસ સુવિધાનો અભાવ છે.ઉચ્ચ અને વ્યવસાયિક શિક્ષણ માટે સ્થાનિક સ્તરે કોલેજોની અછત હોવાથી વિદ્યાર્થીઓને અન્ય જિલ્લાઓ પર નિર્ભર રહેવું પડે છે.સરકારી હોસ્ટેલોમાં પૂરતી પ્રાથમિક સુવિધાઓ નથી અને શિષ્યવૃત્તિ સમયસર ન મળવાને કારણે ગરીબ વિદ્યાર્થીઓ આર્થિક તંગી ભોગવી રહ્યા છે.જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિષયવાર શિક્ષકોની મોટી ઘટ છે, જેથી તાત્કાલિક નવી ભરતી કરવાની માંગ કરાઈ છે.ડાંગ જિલ્લા કોંગ્રેસે મહામહિમ રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરતા માંગ કરી છે કે, પેપર લીકના કૌભાંડીઓ સામે કડક કાયદાકીય કવાયત હાથ ધરવામાં આવે, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય, અને શિક્ષણ મંત્રી નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે. સાથે જ ડાંગ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓની વાહનવ્યવહાર, હોસ્ટેલ, શિષ્યવૃત્તિ અને શિક્ષકોની અછત જેવી તમામ સ્થાનિક સમસ્યાઓનો સત્વરે બિન-શરતી ઉકેલ લાવવામાં આવે તેવી મજબૂત રજૂઆત કરવામાં આવી છે..




