GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર ધરાશાયી થયેલા વૃક્ષોને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

સામાજિક વનીકરણ વિભાગ ગોધરા અને માર્ગ & મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે કામગીરી પૂર્ણ કરાઈ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પવનના કારણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જાહેર માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે વાહનવ્યવહાર ખોરવાય નહીં અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી તમામ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.

સામાજિક વનીકરણ વિભાગ, ગોધરા અને માર્ગ અને મકાન (R&B) વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ પ્રભાવિત વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તાલુકાવાર પૂર્ણ કરાયેલી કામગીરીની વિગતો જોઈએ તો,ઘોઘંબા તાલુકામાં રણજીતપુરા થી બારીયા રોડ (પરોલી) તેમજ રણજીતનગર થી પરોલી (કરોલી ગામ) માર્ગ પર પડેલા વૃક્ષો દૂર કરાયા.એ જ રીતે જાંબુઘોડા તાલુકામાં પાવાગઢ થી બોડેલી હાઇવે પર ભીલ ડુંગરા નજીક ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી રસ્તો પૂર્વવત કરાયો.તદુપરાંત શહેરામાં હોંસેલાવ થી લાભી રોડ પરથી અવરોધો દૂર કરવામાં આવ્યા.હાલોલમાં પાવાગઢ બાયપાસ રોડ પર વડા તળાવ નજીક પડેલા વૃક્ષો દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો છે.કાલોલમાં પણ મલાવ થી કાલોલ રોડ પર આવેલા આંટા ગામે રસ્તા પર પડેલા વૃક્ષો હટાવી વાહનવ્યવહાર સુરક્ષિત કરવામાં આવ્યો છે.

તંત્રની સતર્કતા અને વનીકરણ તથા માર્ગ-મકાન વિભાગની ટીમ દ્વારા સમયસર કામગીરી કરવામાં આવતા જિલ્લાના મુખ્ય વાહનવ્યવહારના માર્ગો પર સલામતી સાથે વાહનવ્યવહાર પુનઃ શરુ કરી દેવાયો છે. વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાન માં રાખીને આવી આકસ્મિક પરિસ્થિતિઓ માટે ટીમ સતત એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!