
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ધનસુરામાં 4 ઇંચથી વધુ વરસાદ, નીચાણ વારા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા સુનોખ ક્રોઝવે છલકાયો – ચેકડેમમાં નવા પાણી ની આવક
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે બપોર સુધીમાં જોર પકડતા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્ર એલર્ટ પર છે.
બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ ધનસુરા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાઠંબા તાલુકામાં અઢી ઇંચથી વધુ, મોડાસામાં અંદાજે 2 ઇંચ અને ભિલોડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.માલપુરમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં નદી જેવા દૃશ્યો સર્જાયા હતા. બાયડ તેમજ શામળાજી પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.
ભિલોડામાં રસ્તાઓ અને રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. વેદનાથ મહાદેવ મંદિર પાસે તેમજ પટેલ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત ઇડર-ભિલોડા રોડ પર પણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.શામળાજીના સુનોખ પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસતા આસપાસના ચેકડેમો છલકાઈ ઉઠ્યા હતા. વાશેરા કંપા વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં ચિંતા સાથે રાહતની લાગણી પણ જોવા મળી હતી.સુનોખ ગામનો ક્રોઝવે છલકાતા વાશેરા કંપા, ખીલોડા અને ભાટવાસ તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. તંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.





