AHAVADANG

ડાંગમાં ભારે વરસાદ સામે વહીવટી તંત્ર એલર્ટ: પ્રભારી મંત્રી ડૉ.જયરામભાઈ ગામીતે સમીક્ષા બેઠકમાં આપ્યા કડક નિર્દેશ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ:૪૧ બંધ રસ્તા ફરી શરૂ, ૨૫ વીજપોલ રીસ્ટોર, ૪૨ આરોગ્ય ટીમો મેદાને; તમામ વિભાગોને સ્ટેન્ડબાય રહેવા સૂચના

અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીશ્રીએ તમામ સંબંધિત વિભાગોને સંપૂર્ણ સતર્કતા સાથે સ્ટેન્ડબાય રહેવા તેમજ રાહત અને બચાવ કામગીરીમાં ઝડપી પ્રતિસાદ આપવા કડક સૂચનાઓ આપી હતી.

ભારે વરસાદ દરમિયાન મૃત્યુ પામેલા ત્રણ પશુઓના માલિકોને નિયમ મુજબ સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે આહવા તાલુકાના ઘોઘલી ગામેથી તણાયેલી ૧૫ ગાય, ૪ બળદ અને ૨ પાડાની શોધખોળ ચાલુ છે. વરસાદથી નુકસાન પામેલા કાચા મકાનોનો સર્વે અને સહાયની કાર્યવાહી પણ હાથ ધરાઈ રહી છે.

છેલ્લા ૪૮ કલાકમાં બંધ થયેલા જિલ્લાના તમામ ૪૧ આંતરિક માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ વારંવાર ઓવરટોપિંગ થતાં માર્ગોની યાદી તૈયાર કરી ત્યાં નવા પુલોના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી હતી.

વન વિભાગ અને વહીવટી તંત્રે જાહેર માર્ગો પર ધરાશાયી થયેલા ૧૮ વૃક્ષો દૂર કરીને રસ્તાઓ ખુલ્લા કર્યા છે. વરસાદ અને પવનના કારણે ધરાશાયી થયેલા ૫૩ વીજપોલમાંથી ૨૫ વીજપોલનું સમારકામ પૂર્ણ કરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના ૨૮ વીજપોલને યુદ્ધના ધોરણે રીસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે.

ચોમાસામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ૪૨ ટીમોએ ૨૦,૫૧૨ લોકોનું આરોગ્ય સર્વેક્ષણ કર્યું છે. ઝાડા-ઊલટીના ૩૩ અને શરદી-ખાંસી-તાવના ૭૦ કેસોમાં ૫૦૦ ક્લોરીનની ગોળીઓ અને ૪૫૦ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. સર્પદંશના વધતા કેસોને ધ્યાનમાં રાખી આહવા સિવિલ હોસ્પિટલમાં પૂરતો એન્ટી-સ્નેક વેનમ સહિત દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી સર્પદંશથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

હવામાન વિભાગની આગાહી અને સાવચેતીના સંદેશા જિલ્લા કલેક્ટરના અધિકૃત X (ટ્વિટર) હેન્ડલ તેમજ સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપ, સરપંચો, તલાટીઓ, એનજીઓ અને શાળાઓ મારફતે અંતરિયાળ ગામો સુધી ઝડપથી પહોંચાડવામાં આવી રહ્યા છે.

પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ડાંગ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે સમગ્ર ટીમ કોઈપણ આપત્તિનો અસરકારક રીતે સામનો કરવા સંપૂર્ણપણે સજ્જ છે.

જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના સંચાલનમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ, ઉત્તર નાયબ વન સંરક્ષક મુરારીલાલ મીણા, દક્ષિણ નાયબ વન સંરક્ષક નીરજ કુમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!