GUJARATKUTCHMANDAVI

મસ્કા ખાતે બાલિકા પંચાયતની બેઠક: સરકારી સેવાઓની જાણકારી,આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત અને શિક્ષણ જાગૃતિ અભિયાન

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૪ જુલાઈ : જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી, કચ્છ અન્વયે DHEWની ટીમ દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકાના મસ્કા ગામે બાલિકા પંચાયતની દીકરીઓ સાથે સંવાદ કાર્યક્રમ તથા બાલિકા પંચાયતની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતની દીકરીઓને ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ અને બાળકીઓ માટે અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દીકરીઓને આ યોજનાઓનો લાભ લેવા તેમજ પોતાના પરિવાર અને સમાજમાં અન્ય લોકોને પણ જાગૃત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આ ઉપરાંત બાલિકા પંચાયતની દીકરીઓને આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત કરાવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓ, માતા-બાળ આરોગ્ય, રસીકરણ, આરોગ્ય તપાસ તેમજ અન્ય સરકારી આરોગ્ય સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આરોગ્ય કેન્દ્રની કામગીરીથી તેઓને વાકેફ કરવામાં આવ્યા.કાર્યક્રમના ભાગરૂપે ગામની વિવિધ શેરીઓમાં જઈને શિક્ષણથી કોઈ દીકરી વંચિત ન રહે તે હેતુથી જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવેલ . રેલી દરમિયાન ગ્રામજનોને દીકરીઓના શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ દરેક દીકરીને નિયમિત રીતે શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ સાથે જોડાય તે માટે અપીલ કરવામાં આવી હતી. આ જાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગામમાં શાળા બહારની કોઈપણ દીકરી ન રહે અને દરેક દીકરીને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે સમાજમાં સકારાત્મક જાગૃતિ લાવવાનો હતો.કાર્યક્રમમાં મસ્કા ગામના સરપંચ અને  માંડવી તાલુકા પંચાયત સદસ્ય કીર્તિભાઈ ગોર, DHEWના મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ, સ્પેશિયલ ફાઇનાન્શિયલ લિટરસી ક્રિષ્નાબેન ભુડિયા તથા  દીપાલીબેન ભાટી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો મુખ્ય હેતુ બાલિકા પંચાયતની દીકરીઓને ગામમાં ઉપલબ્ધ સરકારી સેવાઓથી અવગત કરવો, આરોગ્ય પ્રત્યે જાગૃત બનાવવી, શિક્ષણનું મહત્વ સમજાવવું તેમજ તેમને સમાજમાં સક્રિય અને જવાબદાર નાગરિક તરીકે સશક્ત બનાવવાનો હતો.

Back to top button
error: Content is protected !!