BHUJGUJARATKUTCH

વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૮ જુલાઈ : જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આજે રોટરી હોલ, મુન્દ્રા ખાતે “સ્વસ્થ તાલુકા માટે સ્થાનિક નેતૃત્વને સાંકળવાની પહેલ” અંતર્ગત કોમ્યુનિટી લીડર્સ સેન્સિટાઇઝેશન વર્કશોપ (જનચેતના કાર્યક્રમ) તેમજ વિશ્વ વસ્તી દિવસ-2026 અને વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક જનપ્રતિનિધિઓને આરોગ્ય વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતા વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપી તેમના સહયોગથી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને લોકો સુધી સુલભ બનાવવાનો હતો.કાર્યક્રમ દરમિયાન માતા અને બાળ આરોગ્ય કાર્યક્રમ, પરિવાર કલ્યાણ અને પરિવાર નિયોજન કાર્યક્રમ, રાષ્ટ્રીય ક્ષયરોગ નિર્મૂલન કાર્યક્રમ (NTEP) તેમજ અસંક્રમિત રોગો (ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને સામાન્ય કેન્સરની વહેલી તપાસ તથા સારવાર) અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતા તમામ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો, જનકલ્યાણકારી યોજનાઓ તથા જાહેર આરોગ્ય સેવાઓ અંગે પણ ઉપસ્થિત જનપ્રતિનિધિઓને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી બની આરોગ્ય વિભાગને સતત સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.વિશ્વ વસ્તી દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે નાના અને સુખી પરિવાર, માતા અને બાળકના ઉત્તમ આરોગ્ય, પરિવાર નિયોજનના ઉપલબ્ધ સાધનો, જન્મ વચ્ચેનું યોગ્ય અંતર તથા વસ્તી સ્થિરીકરણમાં સ્થાનિક નેતૃત્વની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે હેપેટાઇટિસના વિવિધ પ્રકારો, તેના નિવારણ, સમયસર તપાસ, સારવાર તથા જનજાગૃતિના મહત્વ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી ભોજરાજભાઈ ગઢવી, કારોબારી ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, દંડક શ્રી પ્રકાશભાઈ ઠક્કર, શાસક પક્ષના નેતા શ્રી દિલીપભાઈ ગોર તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી હમીરભાઈ રબારી મંચસ્થ રહ્યા હતા.કાર્યક્રમના પ્રારંભે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મેહુલ બલદાણીયા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમોની સફળતા માટે સ્થાનિક જનપ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી અને સહયોગ અત્યંત જરૂરી છે. સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે તમામ જનપ્રતિનિધિઓએ આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી કાર્ય કરવું જરૂરી છે.કાર્યક્રમના અંતે ડૉ. મંથન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આરોગ્ય વિભાગને સતત સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!