કાલોલમાં ગૌવંશ કતલ મામલે સામાજિક અગ્રણીઓની કડક પગલાંની માંગ સાથે રજૂઆત,પોલીસની કામગીરી બદલ ફૂલોની વર્ષા કરી સન્માન.

તારીખ ૨૯/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં તાજેતરમાં સામે આવેલા ગેરકાયદેસર ગૌવંશ કતલના કિસ્સા બાદ સ્થાનિક સામાજીક અગ્રણીઓ અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કાલોલ મામલતદારને એક આવેદન પત્ર પાઠવીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તેમજ ગેરકાયદે કતલખાનાઓ સામે ઝુંબેશ ચલાવવાની માંગ કરવામાં આવી છે.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, કાલોલ તાલુકાના કસ્બા અને સડક ફળિયા વિસ્તારમાં પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરી માસનું વેચાણ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે જીવંત ગાયોને ઉગારી લીધી હતી અને સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. અને પોલીસ અધિક્ષક ડૉ હરીશ દુધાત તેમજ નાયબ પોલીસ અધિક્ષક કાલોલ નવીન આહિર અને પીઆઇ આર ડી ભરવાડ સહીત પોલીસ કર્મીઓ નો આભાર માની કાલોલ પોલીસ સ્ટાફ ની ઉપર ફૂલોની વર્ષા કરી હતી.
જોકે, મામલતદારને આપેલ આવેદન પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે તાલુકામાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર વિપરીત અસર પડી રહી છે. તેમજ કાલોલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કતલખાનાઓ સક્રિય હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.પકડાયેલા આરોપીઓ સામે ‘ગુજરાત ગૌવંશ હત્યા પ્રતિબંધ અધિનિયમ-૨૦૧૧’ હેઠળ કડકમાં કડક સજા કરવામાં આવે.જે સ્થળો કે મકાનોમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય તે મકાનોને સીલ કરી દંડ ફટકારવામાં આવે.કાલોલ અને આજુબાજુના ગામડાઓમાં ચાલતા તમામ ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા તાત્કાલિક વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવે.ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ગ્રામીણ સ્તરે જાગૃતતા લાવવામાં આવે.આ બાબતે તંત્ર દ્વારા સત્વરે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત સાથે આ આવેદન પત્રની નકલ મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીને પણ રવાના કરવામાં આવી છે.







