કાલોલના દેવપુરા (મલાવ) ગામમાં વીજ કરંટનો બનાવ: ટ્રાન્સફોર્મરના તાણિયાથી ભેંસનું મોતથી પશુપાલકને મોટો ફટકો.

તારીખ ૨૯/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દેવપુરા (મલાવ) ગામે સીમ વિસ્તારમાં આવેલ એક ખેતરમાં MGVCL ના ટ્રાન્સફોર્મરના તાણિયામાં અચાનક વીજ કરંટ ઊતરતાં એક ભેંસનું કરુણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવપુરા (મલાવ) ગામના રહીશ હિતેશભાઈ પ્રતાપભાઈ પરમાર (ઉં.વ. ૩૦) ની એક કાળા કલરની (પહેલા વેતર વાળી) ભેંસ નિરંજનભાઈ વ્યાસના ખેતરમાં હતી. તા. ૨૮/૦૭/૨૦૨૬ ના રોજ સવારના આશરે ૧૦:૦૦ વાગ્યાના સુમારે ખેતરમાં લગાવેલા એમ.જી.વી.સી.એલ. (MGVCL) ના ટ્રાન્સફોર્મરના સપોર્ટ વાયર (તાણિયા) માં અચાનક વીજળીનો કરંટ ઊતર્યો હતો.ભેંસ આ તાણિયાના સંપર્કમાં આવતાં જ તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તે નીચે પડી જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટી હતી. આ દુર્ઘટનાને કારણે પશુપાલકને આશરે ₹80,000/- નું આર્થિક નુકસાન થયું છે.આ બનાવ અંગે હિતેશભાઈ પરમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.







