
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ ,તા-૨૯ જુલાઈ : રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આધોઈ ખાતે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી સાહેબ, આર.સી.એચ.ઓ. ડૉ. દિનેશ પટેલ સાહેબ, ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નારાયણસિંહ સાહેબ તેમજ વિજપાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. તૈયફુર સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો તેમજ કિશોરાવસ્થામાં થતા શારીરિક, માનસિક અને સામાજિક ફેરફારો અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમના કિશોર સ્વાસ્થ્ય સલાહકાર શ્રી કિરણકુમાર પાત્રર, આંખના નિષ્ણાત ડૉ. કાર્તિકભાઈ સોલંકી, દાંતના નિષ્ણાત ડૉ. નિલેશભાઈ, આયુષ્માન આરોગ્ય મંદિર આધોઈ–3ના સી.એચ.ઓ. કાજલબેન, ફિમેલ હેલ્થ વર્કર રૂપલબેન તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રવિભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.આરોગ્ય નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા, સંતુલિત આહાર, કિશોરાવસ્થામાં થતા શારીરિક અને માનસિક ફેરફારો, વ્યસનમુક્તિ, નિયમિત વ્યાયામ તથા આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓની આંખો અને દાંતની તપાસ કરી જરૂરી આરોગ્ય સલાહ પણ આપવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા, અભિવ્યક્તિ અને વિચારશક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષ સર દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી વસ્તાભાઈ સાહેબે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જ ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત આધાર છે.”કાર્યક્રમના અંતે ચિત્ર, નિબંધ અને વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો અર્પણ કરી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી.વિદ્યાર્થીઓ માટે સમગ્ર કાર્યક્રમ જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને આરોગ્યલક્ષી સાબિત થયો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા આરોગ્ય વિભાગની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






