SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

નગરપાલિકામાંથી મનપા બની પણ સુવિધાના નામે માત્ર મીડું – સુરેન્દ્રનગરના નવા 80 ફૂટ રોડ પર સર્જાયેલી નરકભરી સ્થિતિ

03/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના નવા 80 ફૂટ રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી રહેવાસીઓનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. 80 ફૂટ રોડ વિસ્તાર બોટમાં ફેરવાયો કુંતા પાર્ક સહિતની સોસાયટીઓ પ્રભાવિત નવા 80 ફૂટ રોડ પર આવેલી કુંતા પાર્ક તેમજ આસપાસના અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ અને સોસાયટીઓમાં ગોઠણસમા પાણી ભરાયા છે. ઘરોની આસપાસ પાણી ભરાઈ જવાના કારણે લોકો પોતાના જ ઘરોમાં કેદ થઈ ગયા છે. બહાર નીકળવા માટે પણ હોડી કે બોટ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને લોકોને રોજબરોજની આવન- જાવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે‌ ત્યારે રોગચાળો ફેલાવવાનો મોટો ખતરો
વરસાદના ભરાઈ રહેલા પાણીના કારણે વિસ્તારમાં ગંદકી અને કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે સ્થાનિક રહીશોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગો ફેલાવવાનો ભય ઊભો થયો છે. અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે નાના બાળકો અને વડીલોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાયું છે. નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે, પરંતુ જમીની હકીકત એ છે કે વિકાસ અને નાગરિક સુવિધાઓના નામે તંત્ર દ્વારા માત્ર મીંડું આપવામાં આવ્યું છે. મનપા બન્યા બાદ પણ પ્રી-મોસૂન પ્લાન કે યોગ્ય સ્ટ્રોમ વોટર ડ્રેનેજ (વરસાદી પાણીના નિકાલ) ની કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સમસ્યા સર્જાતી હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યાંના સ્થાનિક માત્રાભાઈ કાટોડીયા, રણછોડભાઈ ગમારા, મહેશભાઈ પટેલ, વૈશાલીબેન મકવાણા, જયાબેન ગોહિલ સહિત લોકોએ ઉગ્ર માંગ સાથે વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા કોઈ જ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. જો તંત્ર દ્વારા વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહીં આવે અને ગટર લાઈનોની સફાઈ નહીં થાય, તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!