BHUJGUJARATKUTCH

સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે નિ:શુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન.

આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ પદ્ધતિ દ્વારા ડાયાબિટીસ, હરસ-મસા અને શ્વાસના રોગોની વિનામૂલ્યે સારવાર કરાશે

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૪ ઓગસ્ટ : ૦૫ ઓગસ્ટના રોજ યોજાનારા આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા જાહેર જનતાને અનુરોધ નિયામક, આયુષની કચેરી – ગાંધીનગર અને નેશનલ આયુષ મિશનના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા એક નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ પદ્ધતિના માધ્યમથી ડાયાબિટીસ (મધુમેહ), સિનિયર સિટિઝન કેર, તથા હરસ-મસા-ભગંદર જેવા રોગો માટે નિદાન, સારવાર અને યોગ્ય સલાહ આપવામાં આવશે. આથી કચ્છની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, દર માસના પહેલા બુધવારની જેમ જ આ આગામી બુધવારે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે આ મેગા કેમ્પ યોજાવા જઈ રહ્યો છે.આ કેમ્પમાં દર્દીઓની સુખાકારી માટે વિવિધ નિ:શુલ્ક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જેમાં ડાયાબિટીસના દર્દીઓ માટે મફત બ્લડ સુગર ચેકઅપ તેમજ ડાયાબિટીસ અને હરસ-મસા-ભગંદરની સચોટ આયુર્વેદિક તથા હોમિયોપેથિક ઔષધીય સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત, આવા દર્દીઓને તેમની રોજિંદી જીવનશૈલી તેમજ ઋતુ અનુસાર આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. ૬૦ વર્ષથી ઉપરના વડીલો માટે ખાસ પ્રકારની સ્વાસ્થ્ય અને શક્તિવર્ધક ઔષધિઓનું વિતરણ કરવામાં આવશે. વધુમાં, જૂની શરદી, ૧૦ દિવસથી વધુ સમયની ખાંસી અને દમના દર્દીઓ માટે નિ:શુલ્ક એક્સ-રે તપાસની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.આ નિ:શુલ્ક મેગા કેમ્પ આજરોજ તારીખ ૦૫/૦૮/૨૦૨૬ ને મહિનાના પહેલા બુધવારના રોજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ-કચ્છ ખાતે યોજાશે. કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધીનો રહેશે. આરોગ્યલક્ષી આ નિ:શુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ-કચ્છ દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!