
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૪ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં ડે-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના અંતર્ગત મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય મહિલાઓની આજીવિકામાં વધારો થાય તેમજ સખી મંડળોને સરળતાથી નાણાકીય સવલતો ઉપલબ્ધ બને તે હેતુસર માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ દ્વારા જુલાઈ-2026 માસને “સખી મંડળ કેશ ક્રેડિટ જુંબેશ ” તરીકે લક્ષિત કરવામાં આવ્યો હતો.આ આયોજનના ભાગરૂપે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા માન. નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા તેમજ ફિલ્ડ સ્ટાફ સાથે નિયમિત સમીક્ષા બેઠકો યોજી નાણાકીય જરૂરિયાત ધરાવતા સખી મંડળોની લોન અરજીઓ તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ કચ્છ જિલ્લાના ઉચ્ચ બેંક અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં દરેક બેંક તથા બ્રાન્ચને સખી મંડળોના ધિરાણ માટે બ્રાન્ચવાર લક્ષ્યાંકો ફાળવવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરીની પ્રગતિ અંગે માન. નિયામકશ્રી દ્વારા સતત સમીક્ષા અને અનુસરણ કરવામાં આવ્યું હતું.આયોજનના અનુસંધાને તા.20 જુલાઈ થી 31 જુલાઈ, 2026 દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં વિશેષ કેશ ક્રેડિટ લોન કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોના સફળ આયોજનના પરિણામે સમગ્ર કચ્છ જિલ્લામાં કુલ 535 સખી મંડળોને રૂ. 14.05 કરોડની કેશ ક્રેડિટ લોન મંજૂર કરવામાં આવી છે.આ નાણાકીય સહાયથી હસ્તકલા, પશુપાલન, ખેતી, ખાદ્ય પ્રોસેસિંગ તેમજ અન્ય વિવિધ આજીવિકા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સખી મંડળોને પોતાના વ્યવસાયના વિસ્તરણ, ઉત્પાદન ક્ષમતામાં વધારો તથા આવકમાં વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન મળશે.માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રી ઉત્સવ ગૌતમએ આશા વ્યક્ત કરી હતી કે આ અભિયાનથી કચ્છ જિલ્લાના ગ્રામ્ય મહિલા ઉદ્યોગસાહસિકોને આત્મનિર્ભર બનવામાં નવી દિશા મળશે અને તેમના વ્યવસાયનો વિકાસ થશે.






