કાલોલ મામલતદારની ગેરકાયદેસર ખનીજ વહન કરનારાઓ પર તવાઈ: ગેરકાયદે ખનીજ ભરેલા બે હાઇવા ડમ્પર ઝડપાયા.

તારીખ ૦૭/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન કરનારા સામે લાલ આંખ કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન કોઈ પણ પ્રકારના અધિકૃત રોયલ્ટી પાસ કે ડિલિવરી ચલાણ વગર GSB (મોરમ કપચી) ખનીજનું પરિવહન કરી રહેલા બે હાઇવા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે મામલતદાર પર રાજકીય દબાણ પણ લાવવાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ મામલતદારે કોઈ પણ દબાણને વશ થયા વગર કાયદા મુજબ કડક કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ખાણ ખનીજ વિભાગને જાણ કરી છે.
મામલતદાર કચેરીની ટીમ દ્વારા કરાયેલા ચેકિંગ દરમિયાન અલગ-અલગ સ્થળેથી બે ડમ્પર પકડાયા હતા:પ્રથમ વાહન: અલીન્દ્રા ખાતે બપોરે ૧૨:૩૦ વાગ્યે ડમ્પર (નં. GJ 23 AY 9139) અટકાવવામાં આવ્યું હતું. જેના ડ્રાઇવર ઇકબાલ જાફરખાન પઠાણ (રહે. ઘુમટા, તા. ઉમરેઠ) પાસેથી તપાસતા અંદાજે ૪૩ મેટ્રિક ટન GSB ખનીજ મળી આવ્યું હતું.બીજું વાહન: બાકરોલ ખાતે બપોરે ૧:૦૦ વાગ્યે ડમ્પર (નં. GJ 23 AW 4631) પકડાયું હતું. જેના ડ્રાઇવર સોઢા અમરસિંહ મોહનસિંહ (રહે. ખાનપુર, તા. ઉમરેઠ) પાસેથી ૪૬.૫ મેટ્રિક ટન GSB ખનીજ મળી આવ્યું હતું.બંને ડ્રાઇવરો દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, તેઓ માલિક ખુશભાઈ (રહે. સાવલી)ના કહેવાથી મહીસાગર/મહીનદીના ઉદલપુર ખાતે થી આ ખનીજનો જથ્થો ભરીને મધવાસ ખાતે લઈ જઈ રહ્યા હતા. વાહન ચેકિંગ વખતે ભુસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગ તરફથી અધિકૃત કરાયેલો કોઈ પણ પ્રકારનો રોયલ્ટી પાસ, ડિલિવરી ચલાણ કે વાહન રજીસ્ટ્રેશનના પુરાવા મળી આવ્યા ન હતા. મામલતદાર દ્વારા સ્થળ પર જ રોજકામ કરી વાહનો સીઝ કરવામાં આવ્યા છે અને આગળની દંડનીય તેમજ કાયદેસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને લેખિત રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.







