
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૭ ઓગસ્ટ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીની સૂચના તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. કેશવકુમાર અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રવીના માર્ગદર્શન હેઠળ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ચાલી રહેલી વિશેષ પોરા નાશક ઝુંબેશ અંતર્ગત આજે ભુજ તાલુકાની આરોગ્ય ટીમો દ્વારા સ્મૃતિવન, ભુજ ખાતે સમગ્ર પરિસરમાં સઘન પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી.ઝુંબેશ દરમિયાન સ્મૃતિવન પરિસરમાં આવેલા અંદાજે 50 જેટલા નાના-મોટા ચેકડેમોમાં મચ્છરના પોરાના જૈવિક નિયંત્રણ માટે પોરા ભક્ષક માછલીઓ છોડવામાં આવી, જેથી મચ્છરની ઉત્પત્તિ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય.આ પ્રસંગે સ્મૃતિવનના યોજના વ્યવસ્થાપક અને વહીવટી તંત્ર સાથે જિલ્લા દેખરેખ અધિકારી હરીભાઈ, દામજીભાઈ, અજિતસિંહ તથા TMPHS રાજુભાઈની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે નિયમિત દેખરેખ, પાણી ભરાયેલા સ્થળોનું સમયાંતરે નિરીક્ષણ, પોરા નાશક કામગીરીને વધુ અસરકારક બનાવવા તેમજ જરૂરી સંકલન જાળવી રાખવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર પોરા નાશક કામગીરી બહુહેતુક તકનીકી સહાયક કિંચનભાઈ અને બહુહેતુક આરોગ્ય પર્યવેક્ષક સંદીપભાઈની દેખરેખ હેઠળ ભુજ તાલુકાની આરોગ્ય ટીમો દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.સ્મૃતિવનના વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઝુંબેશ દરમિયાન ઉત્તમ સહયોગ અને સંકલન પૂરું પાડવામાં આવ્યું, જેના પરિણામે આયોજનબદ્ધ અને અસરકારક રીતે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખે, દર અઠવાડિયે પાણીના પાત્રો ખાલી કરીને સાફ કરે તથા મચ્છરજન્ય રોગોના નિયંત્રણમાં આરોગ્ય વિભાગને સહકાર આપે.





