પાટડીની મોડલ સ્કૂલ ખાતે ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત કાનૂની જાગૃતિ અને ૧૮૧ અભયમ સેમિનાર યોજાયો

તા.10/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ‘મહિલા સુરક્ષા દિવસ’ નિમિત્તે દસાડા તાલુકાના પાટડી ગામ સ્થિત મોડલ સ્કૂલ ખાતે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર દરમિયાન ૧૮૧ અભયમના કાઉન્સિલર મકવાણા વૈશાલીબેન દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન નંબર, ૧૮૧ મોબાઇલ એપ્લિકેશન તેમજ ઘરેલુ હિંસા પ્રતિબંધક અધિનિયમ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓને તેમના કાનૂની અધિકારો, વિવિધ સરકારી સહાય યોજનાઓ, આત્મ નિર્ભરતા માટેની સેવાઓ તેમજ વન સ્ટોપ સેન્ટર (OSC) અને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી જરૂરિયાતમંદ મહિલાઓ સમયસર યોગ્ય સહાય મેળવી શકે. આ તકે ૧૮૧ અભયમના પાયલોટ મહેશભાઈ રાઠોડ, ASI રોશનબેન પડાણીયા, શાળાના પ્રિન્સિપાલ જે.ડી. જાની, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સક્ષમ થઈ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નારી શક્તિના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ બને તે હેતુસર સુરેન્દ્રનગર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ ‘નારી વંદન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી.





