ગૌમાંસના કેસમાં હાલોલ કોર્ટનો કડક ચુકાદો: ઈનોક્સ કંપની નજીક પકડાયેલા બે આરોપીઓને 7 વર્ષની સજા.

તારીખ ૧૧/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ઈનોક્સ કંપની નજીક કાલોલ-બોરૂ રોડ પરથી સીએનજી રિક્ષામાંથી કથિત રીતે ગૌમાંસ સાથે પકડાયેલા કેસમાં પંચમહાલ (હાલોલ)ની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. અદાલતે મુખ્ય આરોપી સરફરાજ શેખ અને સબાનાબીબી બેલીમને દોષિત ઠેરવી ૭ વર્ષની સાદી કેદ અને ₹૧,૦૦૦,૦૦૦ (એક લાખ રૂપિયા) ના દંડની સજા સંભળાવી છે, જ્યારે પુરાવાના અભાવે અન્ય એક આરોપી ફિરદોશભાઈ બેલીમને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
કાલોલ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ એલ એ પરમારને ૧૩ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ બાતમી મળી હતી કે બોરૂ ગામ તરફથી એક સીએનજી રિક્ષા નંબર: GJ-23-W-1312 માં ગૌમાંસનો જથ્થો લઈને કાલોલ તરફ જવામાં આવી રહ્યો છે. જે આધારે ઇનોક્ષ કંપની પાસે વોચ ગોઠવતા બાતમી મુજબની રિક્ષામાંથી પોલીસે ૧૬ કિલો કથિત ગૌમાંસ અંદાજિત કિંમત ₹૩,૬૮૦ અને ₹૫૦,૦૦૦ની રિક્ષા, કુલ ₹૫૩,૬૮૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો. રિક્ષા ચાલક સરફરાજ નાજીરભાઈ શેખ અને પેસેન્જર સબાનાબીબી જાવીદભાઈ બેલીમ પાસે રહેલા વિમલના થેલામાંથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ માંસ મળી આવ્યું હતું. પૂછપરછમાં તેમણે આ માંસ બોરૂ ગામના ફિરદોશ અંસારભાઈ બેલીમ પાસેથી લાવીને વેચાણ અર્થે લઈ જતા હોવાનું જણાવ્યું હતું.ઘટના સમયે વેટરનરી તબીબ દ્વારા માંસના સેમ્પલ સીલ કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સુરત ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. FSL રિપોર્ટમાં આ માંસ ગાય વંશના માંસ (ગૌમાંસ) હોવાનું સ્પષ્ટ પુરવાર થયું હતું.
ન્યાયાધીશશ્રી સંદીપ મનહરકુમાર ક્રિષ્ટીનાઓની કોર્ટે તમામ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ, FSL રિપોર્ટ અને સાક્ષીઓની જુબાનીઓ ધ્યાને રાખી સરકારી વકીલ જે એ પાઠક ની દલીલો ગ્રાહ્ય રાખી ચુકાદો આપ્યો હતો જેમાં 1. સરફરાજ નાજીરભાઈ શેખ ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ ૨૦૧૭ની કલમ-૬(બી), ૧૦, ૮(૪)દોષિત: ૦૭ વર્ષની સાદી કેદ અને ₹૧,૦૦૦,૦૦૦ દંડ (દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદ) 2. સબાનાબીબી જાવીદભાઈ બેલીમ ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ ૨૦૧૭ની કલમ-૬(બી), ૧૦, ૮(૪)દોષિત: ૦૭ વર્ષની સાદી કેદ અને ₹૧,૦૦૦,૦૦૦ દંડ (દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદ) 3. ફીરદોશભાઈ અંસારભાઈ બેલીમ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ તથા IPC કલમ-૪૨૯નિર્દોષ: કતલ કરવાનો કે સાધનો ફેંકી દીધાનો સીધો પુરાવો ન મળતા છોડી મુકાયા છે.







