વ્યાજખોરીના અંધકારમાંથી મુક્તિ: થાનગઢ પોલીસ અને એસપી પ્રેમસુખ ડેલૂની પ્રશંસનીય કામગીરી

તા.12/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના નાના એવા થાનગઢ શહેરમાં સામાન્ય મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પીન્ટુભાઈ કિશોરભાઈ ખોરાણી જીવનમાં ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ તેઓ વ્યાજના અજગરના ભરડામાં એવા ફસાઈ જશે કે જીવવું પણ હરામ થઈ જશે. ઘરમાં અચાનક આવી પડેલી આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે પીન્ટુભાઈએ ગામના જ સાત જેટલા વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. શરૂઆતમાં તો વ્યાજ ચૂકવતા રહ્યા, પરંતુ ધીમે ધીમે આ વ્યાજખોરોનું વ્યાજનું ચક્રવ્યૂહ એવું ઘેરાયું કે મૂળ રકમ ચૂકવાઈ ગયા પછી પણ વ્યાજખોરોનું પેટ ન ભરાયું. વ્યાજખોરોએ પીન્ટુભાઈ પર અસહ્ય માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેમની મજબૂરીનો ગેરલાભ ઉઠાવીને તેમના રહેણાંકના બે મકાનોના મૂળ દસ્તાવેજ તેમજ ઘરની સ્ત્રીઓના સોનાના દાગીના (સોનાની બુટી) બળજબરીથી ગિરવે મૂકાવી લીધા. દિવસ- રાતની ધમકીઓ અને રૂ.૨૯.૫૦ લાખની અન્યાયી માગણીથી કંટાળી ગયેલા પીન્ટુભાઈ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. ચારેય તરફથી દરવાજા બંધ દેખાતા હતા. આખરે, હિંમત ભેગી કરીને તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના નિષ્ઠાવાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો. પીન્ટુભાઈ એ રૂબરૂ મળીને એસપી સાહેબ સમક્ષ પોતાની આપવીતી અને વ્યાજખોરોના ત્રાસની કરૂણ કથા રજૂ કરી. સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને એસપી પ્રેમસુખ ડેલૂ સાહેબે તાત્કાલિક થાનગઢ પોલીસ મથકને આ વ્યાજખોરો સામે કડક પગલાં ભરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો. એસપી સાહેબની સૂચના મળતા જ થાનગઢ પોલીસ ટીમે ત્વરિત અને એક્શન મોડમાં કામગીરી શરૂ કરી. પોલીસે તમામ સાત વ્યાજખોરો સામે કાયદાનો શકંજો કસ્યો અને કડક પૂછપરછ હાથ ધરી. પોલીસની આક્રમક અને કાયદાકીય કાર્યવાહી સામે વ્યાજખોરોના હોશ ઊડી ગયા. પોલીસ કાર્યવાહીના પરિણામે અરજદારને મળેલી મોટી રાહત જેમાં પીન્ટુભાઈને વ્યાજખોરો દ્વારા માંગવામાં આવતી રૂ. ૨૯.૫૦ લાખની માતબર અને અન્યાયી રકમ ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ અપાવી. ગિરવે મૂકેલા બે મકાનોના મૂળ દસ્તાવેજો વ્યાજખોરો પાસેથી કબજે કરી પીન્ટુભાઈને સુરક્ષિત પરત સોંપવામાં આવ્યા. ગિરવે મૂકેલી સોનાની બુટી પણ વ્યાજખોરો પાસેથી પરત અપાવવામાં આવી. જે મકાન અને દાગીના ખોવાનો ડર હતો, તે સન્માનપૂર્વક પરત મળતા અને વ્યાજના રાક્ષસી ભરડામાંથી મુક્તિ મળતા પીન્ટુભાઈ અને તેમનો પરિવાર ભાવુક થઈ ગયો હતો. પોતાનું કામ સંપૂર્ણપણે અને ન્યાયી રીતે થઈ જતાં પીન્ટુભાઈએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ તેમજ થાનગઢ પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. થાનગઢ પોલીસની આ સરાહનીય કામગીરીથી સમગ્ર જિલ્લામાં વ્યાજખોરોમાં ફાળ પડી છે અને સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.




