
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૨ ઓગસ્ટ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા મહર્ષિ વેદ વ્યાસની પાવન સ્મૃતિમાં નખત્રાણા તાલુકાના નીરોણા ખાતેની સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ તથા ભુજ તાલુકાના સેવા સાધના છાત્રાલય ખાતે ગુરુ વંદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.બંને કાર્યક્રમોની શરૂઆત દીપપ્રાગટ્ય તથા ગુરુ વંદના સાથે કરવામાં આવી હતી. બંને કાર્યક્રમમાં પ્રાંત સહ સંગઠન મંત્રી તેમજ કચ્છ જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડના અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ ગુરુપદના મહિમા અંગે માર્ગદર્શન આપતાં ગુરુપદની ગરિમા જાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધની વિસ્તૃત છણાવટ કરી શ્રેષ્ઠ શિક્ષકોના ઉદાહરણો આપી શિક્ષણક્ષેત્રે નિષ્ઠાપૂર્વક અને ઉત્તમ કાર્ય કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે આવકાર અને પરિચય અનિલભાઈ ધોળકિયાએ આપેલ હતો. શૈલેન્દ્રસિંહ જાડેજાએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વિવિધ સંગઠનાત્મક ગતિવિધિઓ અને સ્થાયી કાર્યક્રમો અંગે સૌને માહિતગાર કર્યા હતા. બંને સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પ્રાથમિક સરકારી પ્રાંત મંત્રી રમેશભાઈ ગાગલ, ઉચ્ચતર માધ્યમિક સરકારી અધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, માધ્યમિક સરકારી અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા, ઉચ્ચતર માધ્યમિક સરકારી મહામંત્રી કેવલભાઈ સૈયા, પ્રાથમિક ગ્રાન્ટેડ ઉપાધ્યક્ષ મનુભા સોઢા તથા માધ્યમિક ગ્રાન્ટેડ પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ ગાગલે કર્યું હતું. જ્યારે કલ્યાણમંત્ર દ્વારા મનુભા સોઢાએ સમાપન કરાવેલ હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુ-શિષ્ય પરંપરા, શિક્ષકની જવાબદારી અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની ભૂમિકા અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. એવું પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલની યાદીમાં જણાવાયેલ હતું.







